છબ છબા છબ
છબ છબા છબ
જળમાં રમે હાથ
જળને વાગે
હાથને વાગે
હાથને વાગે
જળને વાગે
હાથ તે પેલા જળને વાગે
કે પછી જળ હાથને વાગે
કે પછી બેઉ બેઉને વાગે
કે પછી નાં કંઈ વાગે પણ
તો ય ઊભો થાય
વાગ્યાનો આભાસ સટા સટ
સટ્ટાક સટ્ટાક સટ સટા સટ
ચાબખા પડે
દેહની પરે
ચાબખા પડે
ઊંચો નીચો થઇ થઈને
તરફડે એ
ચાબખા પડે
કાળા ભમ્મર દેહની પરે
દેહને વાગે
ચાબખે વાગે
ચાબખે વાગે
દેહને વાગે
દેહ તે પેલા ચાબખે વાગે
ચાબખો પેલા દેહને વાગે
કે પછી બેઉ બેઉને વાગે
કે પછી ના કંઈ વાગે પણ
તો ય ઊભો થાય
વાગ્યાનો આભાસ છબા છબ
છબ છબા છબ
છબ છબા છબ
કરતો હતો કુંડમાં પેલો
સટ સટા સટ
સટ્ટાક સટ્ટાક સટ્ટ સટા
સટ્ટ
ઝુડતો હતો આકડા પેલો
ચામડા માટે
ચામડા માટે
ઝુડતો હતો આકડા પેલો
ગ્યો ભૂલી લ્યા શહેરમાં
જઈને
ચામડીયાનો છોકરો પેલો
‘સિંહ’ ને ‘સાગર’
‘સિંહ’ ને ‘સાગર’
લખતો થઇ ગ્યો
શહેરમાં જઈને
નામ બીજાનાં રાખતો થઇ
ગ્યો
કામ બીજાનાં કરતો થઇ ગ્યો
ભણતો ને ભણાવતો થઇ ગ્યો
મોટા મોટા હોલને પેલા
તાનસેનનો યે બાપ બનીને
સંગીતે સજાવતો થઇ ગ્યો
તાનારીરી તાનારીરી
તાલીઓ ઊપર તાલીઓ એ
પડાવતો થઇ ગ્યો
આભલા મહીં ઊડતો થઇ ગ્યો
પાબ્લોને પચાવતો થઇ ગ્યો
તાનારીરી તાનારીરી
તાલીઓ ઉપર તાલીઓ એ
પડાવતો થઇ ગ્યો
આભલા મહીં ઊડતો થઇ ગ્યો
સીડીઓ ઉપર સીડીઓ મૂકી
ઊંચે ઊંચે ચડતો થઇ ગ્યો
કાયદા મંત્રી થઈને એ તો
બંધારણને ઘડતો થઇ ગ્યો
પેલો સૌને નડતો થઇ ગ્યો
સાલો અછૂત લખતો થઇ ગ્યો
પેલો સૌને નડતો થઇ ગ્યો
કોઈ કોઈને ઘડતો થઇ ગ્યો
ધારિયાં લઈને લડતો થઇ ગ્યો
પેલો સૌને નડતો થઇ
ગ્યો
‘સિંહ’ ને ‘સાગર’
‘સિંહ’ ને ‘સાગર’
શહેરમાં જઈને લખતો થઇ
ગ્યો
નડતો થઇ ગ્યો
ચડતો થઈ ગ્યો
ઘડતો થઇ ગ્યો
ઘડતો થઇ ગ્યો
નડતો થઇ ગ્યો
લડતો ઠક ઠક
ઠક ઠકા ઠક ઠક ઠકા ઠક
ઘણ બની અથડાય ઠકા ઠક
દીવાલો કોચાય ઠકા ઠક
ભીતરમાં પડઘાય ઠકા ઠક
કચ્ચડ કચ્ચડ કચડી નાખો
રાઈનો દાણો
દીવાલો પડઘાય ઠકા ઠક
સાપનો કણો
કચ્ચડ કચ્ચડ
કોશ કોઈ ઠોકાય ઠકા ઠક
શત્રુને તો ઉગતો ડામો
કાતર કચ્ કચ્
ભીતરમાં કપાય ઠકા ઠકા ઠક
ચડતાં ચડતાં
નામ બદલતાં
વાધી નાખો
ઊભો આડો
વેતરી નાખો
ખચ્ચાક ખચ્ચાક
ઘણ બની પડઘાય ઠકા ઠક
ચાબખા મારો ઠક ઠકા ઠક
ચાબખા મારો
ચાબખા મારો સટા સટા સટ્ટ
સટ્ટાક સટ્ટાક સટ્ટ સટા
સટ્ટ
ચીલો પાડો
ચીલો પાડો
ચીલા ઉપર દેહ પડેલો
ભમ્મર કાળો
ચાબખા પડે સટ્ટ સટા સટ્ટ
કાળા ભમ્મર જળની પરે
ચાબખા પડે
છબ છબા છબ
ચાબખે વાગે
સટ્ટાક સટ્ટાક
જળને વાગે
ઠક ઠકા ઠક
છબ છબા છબ
દેહને વાગે
છબ છબા છબ
કોઈને લાગે
ઠચ્ચાક ઠચ્ચાક છબ છબા છબ
કચ્ કચ્ કચ્ કચ્
કચ્ચડ કચ્ચડ ઠક ઠકા ઠક
ચડતો નડતો
નડતો ઘડતો
લડતો પડતો
જળને વાગે
છબ છબા છબ હાથને વાગે
કે પછી ના કંઈ વાગે પણ
તો ય ઊભો થાય
વાગ્યાનો આભાસ છબા છબ
ખચ ખચા ખચ
કચ્ચડ કચ્ચડ
સટ્ટ સટા સટ્ટ ઠચ્ચાક ઠચ્ચાક
સટ્ટાક સટ્ટાક
ઠક ઠક ઠક .......
‘વ્યથાપચીસી’
નોંધ ડો.કેશુભાઈ દેસાઈએ એમના ‘ઘમ્મર વલોણું’ વિભાગ જનસત્તામાં દલિતોનાં
નામ અટક
બદલવાની ચર્ચા છેડતાં
લખેલું ‘અટક સાગર તો કરશો પણ ખારાશનું શું . એ વખતે જે પ્રસંગની
જીકર કરેલી એ પ્રસંગ અલીગઢ પાસેના એક ગામમાં રાજેન્દ્ર ચૌહાણ નામનો
છોકરો.જાતે અસ્પૃશ્ય.
શહેરમાં ભણવા ગયો.નામ
બદલીને ‘રાજેન્દ્રસિંહ’ કર્યું.માને ગામડે કાગળ લખ્યો.નીચે સહી કરી
‘રાજેન્દ્રસિંહ’.અભણ માએ
કાગળ મુખીની દીકરી પાસે વંચાવ્યો.વેંત જેવડી મુખીની છોકરીએ
અશ્પૃશ્યની આ ગુસ્તાખીની
ગંભીર નોંધ લીધી અને બાપને વાટ કરી.ઢેડું ને
વળી નામ પાછળ
‘સિંહ’ લગાડે.વેકેશનમાં
છોકરો ગામમાં આવ્યો ત્યારે એની હત્યા થઇ હતી.આ સંદર્ભમાં સ્ફૂરેલી
છે આ કવિતા.
છે આ કવિતા.
No comments:
Post a Comment