ચીમનીનો ધૂણો બંધ થયો ને
મનખે લાગી આગ,
સહેજે ધુમાડો નીકળ્યો નૈ
ને જીવન થઇ ગ્યું રાખ,
હવે લોહી આંસુડે રોવું
કઈ દિશ કેમનું જોવું
પેન્શન,ગ્રેજ્યુઈટી,ફંડ
બધ્ધું યે શેઠિયા ખાતે ઉધાર,
શેઠિયો કે’ હું ડૂલ થયો
તું યે ધૂળના ફાકા માર,
મારી દીધાં મિલને તાળાં,
છૈયાંછોરાં રઝળ્યાં મારાં,.
ગામડેથી આવ્યો હૈયું
હિલ્લોળાતું બાવડામાં જોર લઇ
નદી, તળાવ ને પ્હાડ,
ખેતરની માયા આઘેરી થઇ
ગીચોગીચ શ્વાસ રુંધાણા,
ચાલીઓમાં દેહ ભીંસાણા.
ઘરર ઘરર લંભણ વચ્ચે
તૂટેલા તાર જોડાય,
ટોપલીમાં લઇ બોબીન સાંચે
સાંચે દોડાદોડ થાય
આંતેડા ઘોઘળે આવે,
ખાવાનું કેમનું ભાવે
લોઢાની હારે હું બાથો
ભરું ને શેઠિયો નાફ્ફો કમાય
શ્રમ ચોરી ચોરી બિલ્ડીંગો
બાંધ્યાં ને ચામડું મારું ચૂંથાય
લોહીમાંસ એવું ચુસાયું,
શરીરનું જોમ હરાયું.
દીકરા,ભાઈ ને
બૈરાં,ભત્રીજો એક જ મિલમાં જાય,
ઠપ્પનું આભલું એવું
ફાટ્યું કોણ કોની મદદે જાય
ઘેરેઘેર હાંડલાં ફૂટ્યાં,
રોવાને આંસુડાં ખૂટ્યાં.
દીકરા,દીકરી ભણતાં નાનાં
એમનાં શા હાલ થાય
શ્હેરમાં રે’લા એ
ગામડામાં જઈ કેજી રીતે સેટ થાય
મજૂરીનો ક્યાંય ના વારો,
આ તો હૈયું છે કે મૂંઝારો .
મેલ મોચીડા કરવત ઠેરના
ઠેર જેવું આ તો થાય,
જિંદગી આખી જે દળ્યા
કર્યું તે કુલડીમાં જ ભરાય
કઈ ગમ ભરું ઉચાળા
હૈયે છે લોહીના લાળા.
શેઠિયા જોતા કે ઓછા
રોકાણે વધુ નફો ક્યાં થાય,
જરૂરિયાતો લોકની ડૂલે ને
મૂડી બધી ત્યાં જાય,
મૂડીવાદી રીત છે એવી
વધુ એની વાટ શી કે’વી.
તેજી ને મંદી એ જ જણે,એ જ
કરે બેકાર,બેહાલ,
બજાર જગનાં જીતવા યુદ્ધથી
ધરતીને કરે લાલ
ભૂખ્યું ડાંસ ખપ્પર એનું,
છપ્પરપગું ચક્કર એનું.
મહેનત,મૂડી ને જરૂરિયાત એ
ત્રણેનો સરખો મેળ,
એવી વ્યવસ્થા રચવા કાજે
ખડીયે ખાંપણ મેળ,
નહીં તો આનું આ જ થવાનું,
તારે મારે થશે મરવાનું.
ચાલોને ભાઈ હલ્લો કરીને
ચાંપી દઈએ બધ્ધે આગ,
મારવા વાંકે જીવવા કરતાં
ભલે થઇ જઈએ રાખ,
નવાને રચવા સારુ,
જૂનાને બાળવું સારું.
No comments:
Post a Comment