Saturday, December 13, 2014

હું જન્મ્યો ત્યારે


હું જન્મ્યો ત્યારે
બાળક ન હતો,
સપનું હતો સપનું;
હજાર હજાર વરસથી
ચગદાયેલી મારી માએ
હાડહડતા અન્યાય સામે જોયેલ
ધગધગતા વિદ્રોહનું સપનું.

મારી આંખોમાં
હજી અકબંધ છે
કરચલીઓથી ઘેરાયેલો
હજાર વર્ષ પુરાણોએનો ઓશિયાળો ચહેરો.
ચહેરામાં છલકતાં
આંસુનાં બે સરોવર
એની સરવાણીએ
સીન્ચાયો મારો દેહ.
મને યાદ છે
ગાઉભર દૂરના તમારાં કૂવે
કલાકો લગી તપીને
ઉનાળાની ભરબપોરે
હાંફતાં હાંફતાં ઘરે આવીને
એને મને પાણી નહીં,
પરસેવો પાયો છે પરસેવો.
તમે તો શીખવેલો એને
‘ભાઈ શાબ ..માબાપ
છૈયાંછીએ તમારાં,
જીવવા દો બાપા.’
મને યાદ છે
એને તમે કૂવા પાસે ધૂન્ક્વા દીધી નથી.
એને તમે ચોર પાસે ઢૂંકવા દીધી નથી.
એને તમે અક્ષર પાસે ઢૂંકવા દીધી નથી.
તમારી નાલાયકીના કળણમાં ફસાઈને
તરફડતી મારી મા.
તમારા હિંસક સામ્રાજ્યમાં
પળેપળે રહેંસાતી મારી મા.
એ મુક્ત હવામાં શ્વાસ લેશે હવે,
તાપમાં તપતા એના દેહને
લીમડાની શીળી છાંય મળશે હવે.
તમારો કૂવો
એનાં ચરણ પખાળશે હવે.
તમારો ચોરો
એનું રાજ્યાસન બનશે હવે.
તમારા અક્ષર
એનાં હથિયાર બનશે હવે.
જુઓ. આજ લગી જે તમારી જ હતી
એ સરસ્વતીનો
આજે હું સ્વામી બન્યો છું.
આજ લગી જે તમારી જ હતી
એ લક્ષ્મીનો
આજે હું સ્વામી બન્યો છું.
મારી દીકરી ગણપતિને પ્રાણી ગણી
એના કાન આમલે છે  આજે.
હું એની આંખોમાં કાજળ નહીં
ઉદ્ધતાઈ આંજું છું.
ભડકે બળશે હવે તમારા
ફ્લેટો ને ટેનામેન્ટો,
તમારી સ્કૂલો ને તમારી કચેરીઓ,
તમારી બેડીઓ ને તમારી ચોકીઓ,
તમારા ચોરા ને તમારાં મંદિરો.`
હું અંગારો છું-
તમે  બાળી ફૂટેલી
ઝૂંપડીની રાખમાં
રહી રહીને પ્રજલતો અંગારો,
મુક્તિનો સહેજ પવન મળ્યો છે મને,
ધગધગતી આગ બન્યો છું હવે.
મને યાદ છે
હું જન્મ્યો ત્યારે બાળક નહોતો,
સપનું હતો સપનું-
હજાર હજાર વરસથી
કચડાયેલી મારી માએ
હાડહડતા અન્યાય સામે જોયેલ
ધગધગતા વિદ્રોહનું સપનું.

No comments:

Post a Comment