પગલાં
ધકેલાઈ અંધારે કૂટાતાં પગલાં
હતાં ઝાડુ પછવાડે ભૂંસાતા પગલાં
લપાતાં-છુપાતાં હતાં કાલ કિન્તુ
દૃઢનિશ્ચયે આજ મુકાતાં પગલાં
તમે સાવ નિર્મૂળ કરવાને ઇચ્છ્યા
હર કેડીએ
તો ય દેખાતાં પગલાં
અર્ધેથી નીચે નહીં ઊતરે એ
મચ્છ વેધવા કાજ ઠેકાતાં પગલાં
ભલે કાં ધગધગતા શીશાથી રક્ષ્યા
ઈશારે ઈશારે ય મંડાતાં પગલાં
નહીં ચાલે ભાષા વ્યભિચાર કહીને
જુદી કો’ દિશામાં જ ફંટાતાં પગલાં
ભલે કાપો રહેંસો ફરી ઉગવાનાં
પ્રસ્વેદ લોહીથી પોષાતાં પગલાં
No comments:
Post a Comment