આઝાદી આવી તો એને રંગી
કાળા કુચડે
કાગળમાં આપીને બાંધ્યું
ગધાડાનાં પૂછડે
લાતમલાત કરે ગધ્ધાઓ લાભો
ક્યાંથી લઈએ રે
છાપામાં એ જોશથી ભૂંકે
કોને જઈને કહીએ રે
આઝાદીની રૂડી મોજડી રે
અમે પ્હેરી ના જાણી
હાયે શેઠિયા હાયે હાયે હાય
હાયે શેઠિયા હાયે હાયે હાય
આઝાદીની રૂડી પોતડી રે
અમે પ્હેરી ના જાણી
હાયે તાતા હાયે હાયે હાય
મુદ્દા ઉપર મુદ્દા આવે
સરવાળે તો મીંડું રે
મુર્ગી બેઠી સેવે એ તો
બાફેલું છે ઈંડું રે
પંચાયતનો પ્રમુખ પાડે
મસમોટેરુ છીંડું રે
ઢેડના લમણે ઢેખાળા સરકારી
ખાતું મીંડું રે
ગામના કૂવાએ અમે અળગા
ઊભીને હજુ માંગીએ છીએ પાણી
હાયે હિંદુ હાયે હાયે હાય
ઢોલ ને નગારે અમે પૈણવા
ગયાં તો તમે તલવારો તાણી
હાયે હિંદુ હાયે હાયે હાય
તલવારો ને બંદૂકોથી બની
ગયા છે રાજા રે
તો ય અહિંસા શાંતિના અહીં
હરદમ વાગે વાજાં રે
પેટને ચોંટી જળો બોલતી
ખાવ ધરમના ખાજા રે
શહેરોમાં પણ બંધ કર્યાં
છે મિલોના દરવાજા રે
ઝુંપડીમાં કરે લુંટાલૂટ
ને મ્હેલોમાં ભરે દાણોપાણી
હાયે શેઠિયા હાયે હાયે હાય
બિરલા તારી ય મિલો બંધ, નાખી તેં ક્યાં તારી કમાણી
હાયે બિરલા હાયે હાયે હાય
ચુંટણીની ઋતુમાં વરસે
વચનોનો વરસાદ રે
ગાદી પર બેઠા કે તરત જ
બની જતા એ બાપ રે
પાંચ વરસ એ મીંડામાંથી
મીંડું કરતા બાદ રે
હજી ગુલામી કાયમ એનો માગે
કોઈ હિસાબ રે
સાંકડ માંકડ ઝુંપડપટ્ટી
જોડે ઉભા મ્હેલો રે
કિસકે બાપકા દેશ હૈ જિતના
લે સકતે હો લે લો રે
કહીને બધ્ધું છીનવી દીધો
આપણને હડસેલો રે
હવે બચેલા દેશને બધ્ધા
બળદ બનીને ઠેલો રે
ખખડી ગયેલા દેશને બધ્ધા
બળદ બનીને ઠેલો રે
No comments:
Post a Comment