તું ખૂબ મથ્યો મારા બાપ
ખૂબ મથ્યો-
અજગર જેવાં આ લોકોના
ભરડામાંથી અમને ઉગારવા.
પણ બહુરૂપિયા છે આ લોકો તો.
અજગર પણ બની શકે છે
અને અમીબા પણ બની શકે છે આ લોકો.
વાઘ પણ બની શકે છે
અને શિયાળ પણ બની શકે છે આ લોકો.
તું ભોળવાયો
આ લોકોની સાથે બેઠો,
આ લોકો તારી સાથે બેઠા.
ગોળ પણ બેસી શકે છે
અને હરોળબંધ પણ બેસી શકે છે આ લોકો.
પછી તો મેજ પણ હતાં.
મેજ પર આ લોકો પણ હતાં-
ણ હતો માત્ર તું.
તું મુત્સદ્દી ણ હતો એવું તો નથી જ
પણ ધગધગતા પ્રહાર સાથે
આંધી પણ પેદા કરી શકે છે આ લોકો
અને શીતળ ધાર સાથે
ગાંધી પણ પેદા કરી શકે છે આ લોકો.
બથાવી પાડ્યું આ લોકોએ
મિલકતનું થડિયું
અને આપ્યાં તારા હાથમાં
ડાળાંપાંખળા અનામતનાં.
જમીનને ચાવીરૂપ ઉદ્યોગોનું રાષ્ટ્રીયકરણ
સ્ત્રીઓના અધિકારો અને બંધારણનું રક્ષણ
તારા બધાય વિચારો
દટાયા ભોંયમાં
ને છેવટે તું ધકેલાયો હરોળ બહાર
સંસદના ચોતરે
એકલો
અટૂલો
ખુદ શસ્ત્ર બની પણ બની શકે છે આ લોકો
અને બીજાને શસ્ત્ર બનાવી પણ શકે છે આ લોકો.
ને છતાંઆ લોકો સામે
તું હાર્યો જ છે
એવું તો નથી જ.
હિમયુગની સદીઓ જેવી જામી પડેલી
એમની સખત નાગચૂડ
ઓગળતી જાય છે આજે
એ પ્રતાપ તારો છે.
મૂગાં મૂગાં પશુઓ
સમયની સડેલી ખલ ઉખાડી
માનવ બનવા માંથી રહ્યાં છે આજે
એ પ્રતાપ તારો છે.
જે ધરતીની ધૂળમાં ધરબાયેલી હતી
દ્રશ્યોથી દૂર દૂર તરછોડાયેલી હતી
ને શમણાંનાં ગામથી હડસાયેલી હતી એ આંખ
આસપાસના તારાની આરપાર પણ
મીટ માંડી શકે છે આજે
એ પ્રતાપ તારો છે.
હાથ જોડી જોડીને
હાથની રક્તવાહિનીઓનું
થીજી ગયેલું લોહી
હણહણી ઊઠ્યું છે આજેએ પ્રતાપ તારો છે.
અક્ષરોના અવાજથી થરથરનારા
અક્ષરોના મારથી મરનારા
અક્ષરોની ગોફણ ચલાવી પણ શકે છે આજે
એ પ્રતાપ તારો છે.
લાદવાની જેમ પછી જનારાઓને
અગત્સ્યનાં આર્યસંતાનોનાં
અફાટ સિંધુ જેવાં પેટ
પચાવી નથી શકતાં આજે
એ પ્રતાપ તારો છે.
દંડા જ ખાનારાઓના એક હાથમાં
વાદળી ઝંડો છે અને બીજાં હાથમાં
લાલ ઝંડો છે આજે.
ક્રાંતિની જાંબુડી મશાલ
ભભૂકી ઊઠશે કાલે
તો એ યશનો સહભાગી
તું પણ હોઈશ, મારા બાપ.
મથ્યો છે તું,
ખૂબ મથ્યો છે
અજગર જેવાં આ લોકોના
ભરડામાંથી અમને ઉગારવા.
Congratulations 😤 to u both. Especially to u.
ReplyDeleteI want to know more about your interest & concern for the Dalit literature.
વાહ ખુબ સરસ રચના...ખુબ ખુબ અભિનંદન આવી રચના આપવા બદલ.
ReplyDelete