લંબાતી જતી
શિયાળાની આ ઠંડી રાતે
થંભી ગઈ છે પળ,
જામી ગઈ છે હવા,
સંકોચાઈ ગયો છે દીવાનો
પ્રકાશ.
જો કંઈ પીગળતું હોય ,
વહેતું હોય,
વિસ્તરતું હોય
તો એ છે તારો હાથ.
પાતળી ગોદડી તળે થથરતાં
થથરતાં
હું
તને તારા આલિશાન બંગલામાં
બ્લેન્કેટ ઓઢીને
સૂતેલી જોઉં છું.
નાઈટલેમ્પનો પ્રકાશ
તારા ઉજળા ચહેરાને
મેકઅપ કરી રહ્યો હશે.
મેગેઝિનનાં કેટલાંક પાનાં
ઝૂર્યા કરતા હશે
વણસ્પર્શ્યા રહી ગયેલા
મારા વડવાઓની જેમ.
તારો બ્રાહ્મણ બાપ
ઊંઘમાં પણ
મુરારિ બાપુને હોઠવગી
કોક ચોપાઈ બબડી ચૂક્યો
હશે
કે પછી ચોપડાવી ચૂક્યો
હશે
તને જેને કારણે
મેડિકલમાં પ્રવેશ ન મળ્યો
એવા આનામતિયાઓને ગાળ.
જે કંઈ હોય એ
પણ
ચાલી પર આક્રમણ કરી
ચૂકેલી
શિયાળાની આ ઠંડી રાતે
હુંફાળું કંઈ પણ હોય
તપ એ છે
મારી ‘નૈ આવવાના’ કવિતાથી
ખુશ થઈને
તેં મારી સાથે મિલાવેલો
હાથ
જે હજી પણ......
No comments:
Post a Comment