આપણે બસમાં
મુસાફરી કરી હતી
એ દિવસ
એ દિવસે
બસની બારીમાંથી
લીલાંછમ્મ ખેતરોના મોલને
લહેરાતો જોઈ
નિસાસો નાખી તેં કહેલું ;
‘સાહિલ,
આ બધો જ પાક
અંતે તો પેલા
ફાંદવાળા આખલાઓ
ચરી જવાના છે
ને આના ઉગાડનારા તો
બિચારા
મુઠ્ઠી ભરી રહી જવાના
છે’.
ને પછી
મારા ઉચ્છવાસથી
દાઝ્યો હતો મારો જ હાથ
જેને તેં
તારાં હાથની શીતળતાથી
ઠાર્યો હતો.
ને પછી
‘ગાંધીનગર પ્રદૂષણમુક્ત
વિસ્તાર છે ,
એનું આપણે જતન કરીએ’
એવું બોર્ડ વાંચીને
મેં કહેલું ;
‘જો નીપા જો,
પ્રદૂષણથી કેટલા ગભરાય છે
આ કુત્તાઓ
ને પ્રદૂષણની યોજનાઓ
ઘડનારા
આ શિયાળવાઓ
સિફતથી લાળી કરે છે ;
‘આપણે એનું જતન કરીએ’
‘ખરેખર આ તો
કૂતરાઓ ય નથી
ને શિયાળવાઓ ય નથી
બંને બુન્દોનો ભેગ છે
ભેગ’
ને મારી કોમેન્ટ સાંભળીને
પ્રથમ તો તું કેટલું
હસેલી
ને પછી ભોપાલનાં
તેં નજરે જોયેલાં
તેં નજરે જોયેલાં
દૃશ્યો યાદ આવતાં
તારી પાંપણમાં
સ્હેજસાજ જામેલાં આંસુંને
મેં મારી
હોજરીયાળા
રૂમાલ જેવી
નજરથી લૂછ્યાં હતાં.
ને પછી
રેલના પાટા પર
દોડતી ગાડી જોઈને
મેં કહેલું ;
‘નીપા,
તને પ્રથમ વાર જોઈ હતી
ત્યારે પ્રગટેલાં
આકર્ષણ જેવું જ આકર્ષણ
મને
સ્કીત્ઝોફ્રેનિયા દરમિયાન
ટ્રેન પ્રત્યે થતું
ને મને
એની નીચે
પડતું મૂકવાનો વિચાર
વારંવાર આવતો.’
ત્યારે તેં કહેલું ;
‘ ટ્રેન નીચે પડતું
મૂકવાનો
વિચાર આવે ત્યારે સાહિલ,
ટ્રેનને બદલે
તું મને યાદ કરી લેજે.’’
આમ કહીને તેં
મારા ખભા પર મૂકી હાથ
હળવું કર્યું હતું
હજીયે મારી સ્મૃતિના
એક એક કોષમાં
કળ્યા કરતું સ્કીત્ઝોફ્રેનીક
પેઈન.
ને પછી
હું ઊંઘી ગયો હતો
તારા કભા પર મૂકીને માથું
તે છેક આજે
ઝબકીને પૂછું છું ;
‘ હેં નીપા,
ક્યારેય આવશે
આ મુસાફરીનો અંત ‘’
No comments:
Post a Comment