Saturday, December 13, 2014

ગોરભા



અંધારું લોહી બની દોડે મારા ગોરભા
અંધારા સાથે તો જૂનો છે નેહ પછી 
       કેમ કરી એને વછોડે મારા ગોરભા.

ઓતરાદી છેંડા બે પાડ્યા મારા ગોરભા,
ખાબડ ખૂબડ ધણ હમ્બો હમ્બો થઈને
       લીલ્લી ધરાને ધમરોળી મારા ગોરભા.

અંધારું સૂરજના પેટમહીં ગોરભા,
વિયાયું પોથીના પાને વિરાટ રૂપ
       ધારણ કરીને ફેલાયું મારા ગોરભા.
  
અંધારે અંધારું પ્રજળેલું ગોરભા,
કાણાનું વંઠેલું વેતર છીંકોટા છાપ
       આખલાના જેવું હરાયું મારા ગોરભા.

અંધારું ફૂંગરાતું ફૂંગરાતું ગોરભા,
‘હટ હટ બાજુએ હટ,આઘો જા આઘો’ ના
        શ્લોકો બમણતું અંધારું મારાં ગોરભા.

અંધારું મણકા ને માળા મારા ગોરભા,
ટપકાં લાંબાટૂંકા ગોળ ગોળ ટીલાનું
        વાંકું ને વચકું અંધારું મારા ગોરભા.

અંધારું કુંડોની જ્વાળાઓ ગોરભા,
ઓમ તોમ સ્વાહા નમામિ નમઃ નમ્
        ધોમ ધોમ ધખતું અંધારું મારાં ગોરભા.

ખભે લટકતું અંધારું મારા ગોરભા,
ફર ફર ફરર ફર વાયરના વિંઝોળે
       માથે ફરફરતું અંધારું મારાં ગોરભા.

અંધારું ગાગરશું ગોળ મારા ગોરભા,
છ્ટ પટ છટ પટ છટ પગલાંના તાલમહીં
       તલ દઈ ગાતું અંધારું મારા ગોરભા.

અંધારું આખું ને આખું મારા ગોરભા,
અંદરબહાર ને
આગળ ને પાછળ ને
આજુ ને બાજુ ને
ઉપર ને નીચે અંધારું મારા ગોરભા,
અંધારું આખું ને આખું મારા ગોરભા.




૧. બે છેંડા ; ખૈબરઘાટ અને બોલનઘાટ
૨.કાંણો ; મનુ,એકાક્ષીની જેમ જોઈ સ્મૃતિના કાયદા ઘડનારો

No comments:

Post a Comment