Friday, December 12, 2014

અમદાવાદ-૧૯૭૪ અને ૧૯૮૪





ફેલાયેલું આકાશ ડીમ ડીમ વગાડે છે.
વિખરાયેલા તારા
આગ લાગેલ મિલની વ્હીસલ જેવું
તીણું તીણું
તૂટક તૂટક
ટમટમી રહ્યા છે.
દૂસ્કાતા અવાજોથી
ક્ષિતિજો ધૂંધળી બની છે.
ચાંદાના ટુકડે ટુકડા થયા છે.
એક...બે...ત્રણ.....દશ........બાર ........
ટુકડા તૂટી રહ્યા છે આ શહેર પર.
એના ભાર તળે ચગદાયા છે
આ શહેરનાં લાખ લાખ માણસ,
લાખ લાખ આંખોનાં લાખ લાખ સપનાં.
સપનાનું સ્મશાન બની ગયું છે આ શહેર.
સ્મશાનવત્ અંધકાર ભરડો લે છે,
ગળું ભીંસાઈ જાય એ પહેલાં
હું બોલી શકું છું આટલું જ
‘ હોસ્ટેલનું ફૂડ્બીલ બહુ મોટી ઘટના હતી ‘


નોંધ   અમદાવાદની ૧૨ મિલો બંધ પડી ત્યારે હોસ્ટેલના ફૂડ બીલના મામલામાંથી
        થયેલા નવનિર્માણ આંદોલનને સંભારીને લખાયેલી કવિતા.

No comments:

Post a Comment