મારા મસ્તિષ્કમાં
ત્યારે મને
તું યાદ આવે છે
સાર્વજનિક રીતે તું.
ક્રાંતિ જેવા
વજનદાર વંટોળિયાને
આંખમાં આંજી દીધા પછી
તોફાને ચઢેલા
ત્રાજવાનાં પલ્લાં જેવીમારી
કીકીઓ
તારાઓને બે લંભણ વચ્ચે
બે હાથમાં ટોપલી ઊંચકી
દોડાદોડ કરતા ડાફિટ
લવાળાઓની જેમ
ટમટમાટના પરસેવાથી રેબઝેબ
દોડતા નિહાળે છે
ત્યારે મને
અટેરામાં ચાપટો ખોલતી
તું યાદ આવે છે.
લાખ લાખ કાનના
પડદા તોડી નાખે એવી
બગાવત નામની બૂમ
ઠસોઠસ ઠાંસી દીધા પછી
મારા કાન
મારા ઘર સામેના ખેતરમાં
ડેમના પાણીની જેમ
છલોછલ ભરાઈ ગયેલ અંધકાર
તળે
આદિવાસીના પડછાયા જેવાં
કાળાં કાળાં ડૂંડાઓની
તણાતી જતી ચીસો
સાંભળે છે ત્યારે
હાથમાં દાતરડું ઝાલી
ડૂંડાં લણતી
મને તું યાદ આવે છે.
મહેલોના મહેલો બાળી કૂટનાર
‘રાજસત્તાના વિધ્વંસ’
નામના
પ્રવાહીને
રોમે રોમે ચોળી દીધા પછી
બે બિલાડીઓ વચ્ચે
રોટલો તોળતા વાંદરાના
લુચ્ચા હાસ્ય જેવા નેતાના
થૂંક-લવારા જેવા
પ્રચારોથી
કોડભરી કન્યા જેવાં
સળગી મરતાં સંગઠનો
મારી ચામડીને પ્રજાળે છે
ત્યારે
હાથમાં ‘માસલાઈન ‘
વાંચતાં
વિચાર્યા કરતી
મને તું યાદ આવે છે.
કોટિ કોટિ દિમાગ
ફાડી નાખે એવા
અત્તર જેવું
વિદ્રોહ નામનું પૂમડું
સુંઘી ગયા પછી
મારું નાક
અતિશૂદ્ર નામના મગતરાનો
પડછાયો પણ પસાર થઈને
મકાનની દીવાલને
અભડાવી ન જાય
એટલા માટે જ
જાણી જોઈને
રસ્તામાં એકઠા કરાયેલા
બાજુની સોસાયટીના
ગંદા પાણીની ગંધથી
એનોડ અને કેથોડ ભેગા થઇ
જતાં
ધડાકાબંધ તૂટી જતા
ફ્યુઝની જેમ
ફાટતું જાય છે ત્યારે
ખભે ઝોળો ભરાવીને
મારી સાથે ચાલતી
મને તું યાદ આવે છે.
પ્રિય,
મળી શકી હોત
મારી ભૂખી હથેળીઓને
તારા હોઠના ચુંબનની હૂંફ
તો આટલા પાંગળા ન હોત
મારા હાથ
જે
માત્ર
લખી શકે છે
કવિતા .....
No comments:
Post a Comment