Saturday, December 13, 2014

એટલું જ, વિશેષ કશું નહીં

આમ તો રઘલા
મારી ચાલી અને તારી સોસાયટી વચ્ચે
કશું નથી.
છે માત્ર એક દીવાલ
પાંચ સાડા પાંચ ફૂટની દીવાલ.
બસ એટલું જ, વિશેષ કશું નહીં.

પંદરમી ઓગસ્ટ કે છવ્વીસમી જાન્યુઆરીએ

તારા બંગલા પર ધ્વજ ફરકે છે ત્યારે
’વંદે માતરમ્’ અને જનગણમન’ ના સૂરો
મિલના સંચાની ઘરઘરાટીને ભેદીને
મારા કાન સુધી પહોંચી શકતા નથી
એટલું જ, વિશેષ કશું નહીં.
તારો ભાઈ
એરકન્ડીશન્ડ રૂમમાં
રંગીન કવાયત અને સલામી
જોતો હોય છે ત્યારે
મારો ભાઈ
સિપોરના કોઈક પારકા ખેતરમાં
વૈતરું ફૂટતો હોય છે
એટલું જ, વિશેષ કશું નહીં.

તું તારા બનેવીના ટ્રકમાં બેસીને
રથયાત્રાનાં દિવસે
મુઠ્ઠી માંગનો દાતા થઇ
હરખપદુડો બન્યો હતો ત્યારેમારો પડોશી
એની ટાઈફોઈડથી ગુજરી ગયેલી બેબીને
રડી પણ શક્યો ન હતો.
એની અશ્રુગ્રંથિઓ પર અસહ્ય દબાણ હતું
એનો ચહેરો અને મન બંને તંગ હતાં.
બલીયાએ- ભીમના લફરા નંબર એકની પેદાશે
એને રડવાની મના ફરમાવી હતી
એટલું જ, વિશેષ કશું નહીં.

તું જન્માષ્ટમીના દિવસે
તારા કુટુંબ સાથે
કારમાં ફરવા નીકળ્યો ત્યારે
હું મારી બેબીના ફાટી ગયેલા ફરાકને
થીગડું મારતો હતો.
બેબી સમજણી થઇ ત્યારથી
પાંચ પાંચ મેળા ગયા
હું એને રમવા માટે
ચાવીવાળી મોટર પણ નથી લાવી આપી શક્યો
એટલું જ, વિશેષ કશું નહીં

અનામતનાં હુલ્લડો વખતે
એક દિવસ
તારા ધાબા પરથી
સણસણતો પથ્થર
મારા લમણામાં ઝીંકાયો હતો
અને છૂટી હતી લોહીની ધારા.
પાછળથી જ આવેલી મશાલે
મારાં ઘરને કૂટી બાળ્યું હતું
એટલું જ, વિશેષ કશું નહીં

ક્યારેક ’ભારત મારો દેશ છે’નો
શાળાજીવન દરમિયાન કરેલો પોપટપાઠ
યાદ આવી જાય ત્યારે
હું ખડખડાટ હસી પડું છું

No comments:

Post a Comment