Friday, December 12, 2014

કવિતા



તને યાદ છે
એ સવારે
આપણે સાથે જ નાચ્યા હતા,રઘલા
હાથમાં દાતરડાં ઝાલી
ગાતાં ગાતાં
વાઢ્યા હતાં કણસલાં.
હૃદયના ધબકારે ધબકારે,
પવનના સુસવાટે સુસવાટે ,
ઓજારના ખખડાટે ખખડાટે
આપણે  નીપજાવેલા વિવિધ લય
ને એ રીતે સ્ફુરેલી કવિતા
જેનો સંબંધ હતો
પ્રત્યેક હૃદયના ધબકાર સાથે
પ્રત્યેક મનના વિચાર સાથે
પ્રત્યેક પગના સંચાર સાથે
પણ ત્યાં તો
સૂરજ ચઢી બેઠો આકાશને માથે
ને તું મારે માથે
કામ,કામ ને કામ
ઊંધા ભોડે કરવાનું મારે
ને તારે
ગાવાનું,વગાડવાનું,નાચવાનું,વિચારવાનું,
શોધવાનું .....
એમાં કવિતા  બની ગઈ
તારા રાજમહેલના ઝરુખાનું તોરણ,
તારી રાણીનો ઢોલિયો.
અમારા ધબકાર,
અમારા વિચાર,
અમારા સંચાર
હાથી ને ઘોડાના પગ તળે
ચગદાઈ મર્યા.
પછી,
સૂરજ ડૂબ્યો ન ડૂબ્યો
ને ચિત્કારી ઊઠ્યું મિલનું ભૂંગળું,
વાતાવરણ ડહોળાઈ ગયું
શેરબઝારના ઘોંઘાટથી,
આકાશની છાતીમાં
વિમાનોએ ભોંકી દીધાં
કર્કશતાનાં ખંજર,
ખૂન તરબોળ પંજા
બે ય ગોળાર્ધ પર  વિસ્તરી રહ્યા.
તારે માથે ય ચઢી બેઠા
ખૂની દલાલો.
ઉપર કે નીચે,
તું ક્યાંય નથી.
લબડી રહ્યો છે અધવચ્ચે.
તારે કવિતા ય લટકી રહી છે
તિજોરીની ચાવીઓનું ઝુમખું બની,
ભટકી રહી છે
કાંસકી ને આઈનો બની,
તારી કવિતા તો પાળે છે ખૂણો
પુસ્તકાલયનો કે દીવાનખંડનો.
હવે તો તું ભૂંકીશ
ને ખાલી સભાખંડની દીવાલો
ઝીંકશે પડઘા
તારા કાનના પડદા પર.
નથી મનાતું
ભલે,
બજારના ખીલે બંધાઈને
તું તારે ફૂંક્યા કર બણગાં
સ્વની શોધનાં ને સ્વાતંત્ર્યનાં,
મમરી લે ઠેકડા દશબાર
કે ચગળ્યા કર
અંધકારનાં ચોસલાં
જો....
અહીં
અમારા હૃદયના ધબકાર
અમારા મનના વિચાર
અમારા પગના સંચાર ઝીલી
અમારી કવિતા બની રહી છે પડકાર.....

No comments:

Post a Comment