Saturday, December 13, 2014

તું હાર્યો તો નથી જ

તું ખૂબ મથ્યો મારા બાપ
ખૂબ મથ્યો-
અજગર જેવાં આ લોકોના
 ભરડામાંથી અમને ઉગારવા.
પણ બહુરૂપિયા છે આ લોકો તો.
અજગર પણ બની શકે છે
અને અમીબા પણ બની શકે છે આ લોકો.
વાઘ પણ બની શકે છે
અને શિયાળ પણ બની શકે છે આ લોકો.

તું ભોળવાયો
આ લોકોની સાથે બેઠો,
આ લોકો તારી સાથે બેઠા.
ગોળ પણ બેસી શકે છે
અને હરોળબંધ પણ બેસી શકે છે આ લોકો.
પછી તો મેજ પણ હતાં.
મેજ પર આ લોકો પણ હતાં-
ણ હતો માત્ર તું.
તું મુત્સદ્દી ણ હતો એવું તો નથી જ
પણ ધગધગતા પ્રહાર સાથે
આંધી પણ પેદા કરી શકે છે આ લોકો
અને શીતળ ધાર સાથે
ગાંધી પણ પેદા કરી શકે છે આ લોકો.
બથાવી પાડ્યું આ લોકોએ
મિલકતનું થડિયું
અને આપ્યાં તારા હાથમાં
ડાળાંપાંખળા અનામતનાં.
જમીનને ચાવીરૂપ ઉદ્યોગોનું રાષ્ટ્રીયકરણ
સ્ત્રીઓના અધિકારો અને બંધારણનું રક્ષણ
તારા બધાય વિચારો
દટાયા ભોંયમાં
ને છેવટે તું ધકેલાયો હરોળ બહાર
સંસદના ચોતરે
એકલો
અટૂલો
ખુદ શસ્ત્ર બની પણ બની શકે છે આ લોકો
અને બીજાને શસ્ત્ર બનાવી પણ શકે છે આ લોકો.
ને છતાંઆ લોકો સામે
તું  હાર્યો જ છે
એવું તો નથી જ.
હિમયુગની સદીઓ જેવી જામી પડેલી
એમની સખત નાગચૂડ
ઓગળતી જાય છે આજે
એ પ્રતાપ તારો છે.
મૂગાં મૂગાં  પશુઓ
સમયની સડેલી ખલ ઉખાડી
માનવ બનવા માંથી રહ્યાં છે આજે
એ પ્રતાપ તારો છે.
જે ધરતીની ધૂળમાં ધરબાયેલી હતી
દ્રશ્યોથી દૂર દૂર તરછોડાયેલી હતી
ને શમણાંનાં ગામથી હડસાયેલી હતી એ આંખ
આસપાસના તારાની આરપાર પણ
મીટ માંડી શકે છે આજે
એ પ્રતાપ તારો છે.
હાથ જોડી જોડીને
હાથની રક્તવાહિનીઓનું
થીજી ગયેલું લોહી
હણહણી ઊઠ્યું છે આજેએ પ્રતાપ તારો છે.
અક્ષરોના અવાજથી થરથરનારા
અક્ષરોના મારથી મરનારા
અક્ષરોની ગોફણ ચલાવી પણ શકે છે આજે
એ પ્રતાપ તારો છે.
લાદવાની જેમ પછી જનારાઓને
અગત્સ્યનાં આર્યસંતાનોનાં
અફાટ સિંધુ જેવાં પેટ
પચાવી નથી શકતાં આજે
એ પ્રતાપ તારો છે.
દંડા જ ખાનારાઓના એક હાથમાં
વાદળી ઝંડો છે અને બીજાં હાથમાં
લાલ ઝંડો છે આજે.
ક્રાંતિની જાંબુડી મશાલ
ભભૂકી ઊઠશે કાલે
તો એ યશનો સહભાગી
તું પણ હોઈશ, મારા બાપ.
મથ્યો છે તું,
ખૂબ મથ્યો છે
અજગર જેવાં આ લોકોના
ભરડામાંથી અમને ઉગારવા.

હું જન્મ્યો ત્યારે


હું જન્મ્યો ત્યારે
બાળક ન હતો,
સપનું હતો સપનું;
હજાર હજાર વરસથી
ચગદાયેલી મારી માએ
હાડહડતા અન્યાય સામે જોયેલ
ધગધગતા વિદ્રોહનું સપનું.

મારી આંખોમાં
હજી અકબંધ છે
કરચલીઓથી ઘેરાયેલો
હજાર વર્ષ પુરાણોએનો ઓશિયાળો ચહેરો.
ચહેરામાં છલકતાં
આંસુનાં બે સરોવર
એની સરવાણીએ
સીન્ચાયો મારો દેહ.
મને યાદ છે
ગાઉભર દૂરના તમારાં કૂવે
કલાકો લગી તપીને
ઉનાળાની ભરબપોરે
હાંફતાં હાંફતાં ઘરે આવીને
એને મને પાણી નહીં,
પરસેવો પાયો છે પરસેવો.
તમે તો શીખવેલો એને
‘ભાઈ શાબ ..માબાપ
છૈયાંછીએ તમારાં,
જીવવા દો બાપા.’
મને યાદ છે
એને તમે કૂવા પાસે ધૂન્ક્વા દીધી નથી.
એને તમે ચોર પાસે ઢૂંકવા દીધી નથી.
એને તમે અક્ષર પાસે ઢૂંકવા દીધી નથી.
તમારી નાલાયકીના કળણમાં ફસાઈને
તરફડતી મારી મા.
તમારા હિંસક સામ્રાજ્યમાં
પળેપળે રહેંસાતી મારી મા.
એ મુક્ત હવામાં શ્વાસ લેશે હવે,
તાપમાં તપતા એના દેહને
લીમડાની શીળી છાંય મળશે હવે.
તમારો કૂવો
એનાં ચરણ પખાળશે હવે.
તમારો ચોરો
એનું રાજ્યાસન બનશે હવે.
તમારા અક્ષર
એનાં હથિયાર બનશે હવે.
જુઓ. આજ લગી જે તમારી જ હતી
એ સરસ્વતીનો
આજે હું સ્વામી બન્યો છું.
આજ લગી જે તમારી જ હતી
એ લક્ષ્મીનો
આજે હું સ્વામી બન્યો છું.
મારી દીકરી ગણપતિને પ્રાણી ગણી
એના કાન આમલે છે  આજે.
હું એની આંખોમાં કાજળ નહીં
ઉદ્ધતાઈ આંજું છું.
ભડકે બળશે હવે તમારા
ફ્લેટો ને ટેનામેન્ટો,
તમારી સ્કૂલો ને તમારી કચેરીઓ,
તમારી બેડીઓ ને તમારી ચોકીઓ,
તમારા ચોરા ને તમારાં મંદિરો.`
હું અંગારો છું-
તમે  બાળી ફૂટેલી
ઝૂંપડીની રાખમાં
રહી રહીને પ્રજલતો અંગારો,
મુક્તિનો સહેજ પવન મળ્યો છે મને,
ધગધગતી આગ બન્યો છું હવે.
મને યાદ છે
હું જન્મ્યો ત્યારે બાળક નહોતો,
સપનું હતો સપનું-
હજાર હજાર વરસથી
કચડાયેલી મારી માએ
હાડહડતા અન્યાય સામે જોયેલ
ધગધગતા વિદ્રોહનું સપનું.

એટલું જ, વિશેષ કશું નહીં

આમ તો રઘલા
મારી ચાલી અને તારી સોસાયટી વચ્ચે
કશું નથી.
છે માત્ર એક દીવાલ
પાંચ સાડા પાંચ ફૂટની દીવાલ.
બસ એટલું જ, વિશેષ કશું નહીં.

પંદરમી ઓગસ્ટ કે છવ્વીસમી જાન્યુઆરીએ

તારા બંગલા પર ધ્વજ ફરકે છે ત્યારે
’વંદે માતરમ્’ અને જનગણમન’ ના સૂરો
મિલના સંચાની ઘરઘરાટીને ભેદીને
મારા કાન સુધી પહોંચી શકતા નથી
એટલું જ, વિશેષ કશું નહીં.
તારો ભાઈ
એરકન્ડીશન્ડ રૂમમાં
રંગીન કવાયત અને સલામી
જોતો હોય છે ત્યારે
મારો ભાઈ
સિપોરના કોઈક પારકા ખેતરમાં
વૈતરું ફૂટતો હોય છે
એટલું જ, વિશેષ કશું નહીં.

તું તારા બનેવીના ટ્રકમાં બેસીને
રથયાત્રાનાં દિવસે
મુઠ્ઠી માંગનો દાતા થઇ
હરખપદુડો બન્યો હતો ત્યારેમારો પડોશી
એની ટાઈફોઈડથી ગુજરી ગયેલી બેબીને
રડી પણ શક્યો ન હતો.
એની અશ્રુગ્રંથિઓ પર અસહ્ય દબાણ હતું
એનો ચહેરો અને મન બંને તંગ હતાં.
બલીયાએ- ભીમના લફરા નંબર એકની પેદાશે
એને રડવાની મના ફરમાવી હતી
એટલું જ, વિશેષ કશું નહીં.

તું જન્માષ્ટમીના દિવસે
તારા કુટુંબ સાથે
કારમાં ફરવા નીકળ્યો ત્યારે
હું મારી બેબીના ફાટી ગયેલા ફરાકને
થીગડું મારતો હતો.
બેબી સમજણી થઇ ત્યારથી
પાંચ પાંચ મેળા ગયા
હું એને રમવા માટે
ચાવીવાળી મોટર પણ નથી લાવી આપી શક્યો
એટલું જ, વિશેષ કશું નહીં

અનામતનાં હુલ્લડો વખતે
એક દિવસ
તારા ધાબા પરથી
સણસણતો પથ્થર
મારા લમણામાં ઝીંકાયો હતો
અને છૂટી હતી લોહીની ધારા.
પાછળથી જ આવેલી મશાલે
મારાં ઘરને કૂટી બાળ્યું હતું
એટલું જ, વિશેષ કશું નહીં

ક્યારેક ’ભારત મારો દેશ છે’નો
શાળાજીવન દરમિયાન કરેલો પોપટપાઠ
યાદ આવી જાય ત્યારે
હું ખડખડાટ હસી પડું છું

પ્રતિરૂપોની ખોજ

તું ખીચડી ઓરવા માટે
 દાળચોખા વિણે છે
કે દળણું કરવા 
ઘઉં વિણે છે એટલી ચીવટથી
હું લખવા બેઠો છું કવિતા
પ્રિય, તારા વિશે.

વિચારું છું
તારા ચહેરાને શી ઉપમા આપું?
બહુ વપરાઈ ચૂક્યો છે ચાંદ
આઠમનો ને પૂનમનો ય,
ફૂલ પણ તાજું રહ્યું નથી એકેય.
વળી મારે શોધવા છે એવાં શબ્દ
જેને તું ને હું
ઓળખતાં હોઈએ,
જીવતાં હોઈએ
ને એટલે જ
હું કહીશ કે
મરચું વાટવાના દસ્તા સમો
લંબગોળ ભલે હો તારો ચહેરો
કે પછી કોઈ અણઘડ કારીગરે
તાન્કાનાથી ઠોકી ઠોકીને
બનાવેલા ખલ જેવો
શીળીનાં ચાઠાંવાળો
ભલે હોય તારો ચહેરો
હું એણે ચાહું છું,
ચસોચસ ધાવું છું.
તું ચા બનાવતી વખતે
બુરાને બદલે મીઠું ન નંખાઈ જાય
એની જેટલી દરકાર રાખે  છે
એની જેટલી દરકાર હું રાખીશ પ્રિય
તારાં વિશેની આ કવિતા
લખતી વેળા.
ને એટલે જ હું તારા દાંતને
દાડમની કળીની ઉપમા નહીં આપી શકું
હું તો કહીશ કે
મકાઈના ડૂંડામાં રહેલા
અસમાન રીતે ગોઠવાયેલા
નાનામોટા દાણા જેવા છે તારા દાંત.
તારી આંખોને
હું મૃગલીનાં નયન
કે મસ્તીના જામ નહીં જ કહી શકું
હું તો કહીશ કે
નાનપણમાં
ચોટબિલીસ રમતાં
ભીંત સાથે અફળાઈને
તૂટી જતી પાણીદાર ડેબીનાં
ફાડિયાં જેવી છે તારી આંખો.

મારાં પાંચ પાંચ બચ્ચાંને
જન્મ આપીને
વસૂકી ગયેલી તારી કાયાને
હું વરસી ચૂકેલી વાદળી
કે કરમાઈ ગયેલું ફૂલ
કે ચુસાયેલી ગોટલી તો નહીં જ કહી શકું.
હું કહીશ તો એમ જ
કે પટેલિયાંનાં છોકરાઓએ
ઝૂડી પડેલી બોરડી જેવી તારી કાયા
હજીયે આપે છે મને મીઠાશ,
રંગરોગાન થોડાં ઉખડેલી
જૂની ઢીંગલી પણ
નાના બાળકને
આપી શકે એટલો આનંદ.

તારા રંગને
હું કૃષ્ણ જેવો કાળો
કે નીલા આકાશ જેવો તો
હરગિજ નહીં કહી શકું.
હું તો કહીશ કે
માએ સગડું ઠલવતાં
સાવ હેઠેથી નીકળતી
રાખ્યા જેવો છે તારો રંગ
કે પછી માએ ખરીદેલા
સ્વાદમાં તો બરોબર
પણ દેખાવમાં સહેજ શ્યામ
શીરા જેવો છે તારો રંગ.

તારા સ્વભાવને
હું ગુલાબ જેવો ગુલાબી
કે બરફી જેવો મીઠો તો નહીં જ કહી શકું
હું તો કહીશ કે
તારો સ્વભાવ છે
દારૂ પીતી વેળા ખવાતી
તાજી શેકેલી કોંકણી જેવો
કે પછી
ટાઢી છાશ રેડી
ટેસથી ખવાતી ઘેંશ જેવો.
તારાં પ્રેમને હું
ગંગાકી મૌજ કે જમનાની ધારા તો
નહીં જ કહી શકું.
હું તો કહીશ
કે શિયાળાની સવારે
ગરમગરમ હવાની સાથે
એટલા જ ખળભળાટથી ધસી આવતા
મ્યુનિસિપાલિટીના  નળના
કરકરા પાણી જેવો
હૂંફાળો ને તાજગીદાતા છે તારો પ્રેમ
કે પછી મધરાતની મીઠાશને
હળવે હળવે
કેરીની જેમ ઘોળતા હાથ જેવો
મૃદુ ને માવજતભર્યો છે તારો પ્રેમ.
હા પ્રિય,હું લખું છું
તારા વિશે કવિતા
ને એટલી રાખીશ હું ધીરજ
જેટલી ધીરજ તું
રહુ મચ્છીનાં ભીંગડાને
દૂર કરતી વેળા રાખે છે
કે પછી
ટાઢી સવારે
ભૂસાના સગડા પર 
બાજરીના રોટલા ચેડવતાં રાખે છે.

જો કે આમ છે છતાંય
લંબાયેલા સમાગમથી
ક્યારેક જેમ અકળાઈ જાય છે તું
એમ હું ય
અકળાઈ ગયો છું આ કવિતા લખતાં
ને પછી
પાણી સહેજ વધારે પડી ગયું હોય
ને રસો સ્હેજ વધારે રહી ગયો હોય તોય
તું ઉતારી લે છે ક્યારેક ઉતાવળથી
ચૂલા પર ચડતું શાક.
બસ એટલીજ ઉતાવળથી
હું મૂકી  દઉં છું
ભાવક સામે
પ્રિય ,
તારા વિશે લખાયેલી કવિતા.