Friday, December 12, 2014

સમ ભોગ



અમે
સદીઓથી ઈચ્છીએ છીએ
સમ ભોગ...સમ્ભોગ ....સંભોગ.
અમારી માંગણી એક જ છે
સમ ભોગ ...સમ્ભોગ....સમ્ભોગ.
કેમ ભડક્યો ‘લ્યા
મારી ચામડીની કાળાશ ભાળી બાળકે છે એમ

આ કાંઈ
ઉકરડેથી તાણી કાઢેલો શબ્દ નથી,
તારી દેવભાષાએ આપેલો શબ્દ છે.
એની આભાને
તેં કચડી નાખી છે
અમારી આભાને કચડી નાંખી એમ.
તેં તો પવિત્ર-પાપી
શ્પૃશ્ય-અસ્પૃશ્યના વર્ગીકરણમાં
એણે ય છોડ્યો નથી
બિચારો કુત્સિત ગણાયો
અસ્પૃશ્ય ગણાયો
અમારી જેમ.

પ હવે અમે અશ્પૃશ્યોએ
અસ્પૃશ્ય શબ્દોનો ય સાથ લીધો છે.
અત્યાર સુધી
અમે પાઠ કર્યો
તેં જ પવિત્ર-શ્પૃશ્ય ગણાવેલા શબ્દોનો,
તો ય અમારી પીડા,
અમારી વ્યથા,
અમારા આર્તનાદ
પહોંચ્યા તારા કાં લગી

અમે ઢાલ બની તારી રક્ષા કરી
તો ય તું તો
અમારી પીઠમાં હુલાવતો રહ્યો ખંજર

અમે ખેતરમાં પરસેવા-આંસુથી પિયત કર્યું
ને પાક્યો મો’લ
પહોંચ્યો તારા કોઠારમાં

અમે તારાં ગૂ-મૂતર ઉપાડ્યા
ને તેં અમને કાઢ્યા
ગામ બહાર.

અમે આપ્યો ભોગ.
તેં આપ્યો ભોગ કદી
તેં ભોગવ્યો ભોગ,
અમે ભોગવ્યો ભોગ કદી

પણ હવે
હર્કયુલીસ પડખું બદલે છે.
ઉત્તર એ દક્ષિણ
ને દક્ષિણ એ ઉત્તર બને છે.
હવે અમારી ઈચ્છા
તીવ્ર બની છે,
અમારી માંગણી બુલંદ બની છે.
અમે માગીએ છીએ
સમ ભોગ- સમાન બલિદાન,સમાન ત્યાગ.
સમ ભોગ- સમાન અધિકાર,સમાન પ્રાપ્તિ .

હે અમારા ચામડા પકવતા કુંડ
શબ્દોને ય પકવતા થયા છે,
અમારી કાપડ વણતી શાળ
શબ્દોને ય અફલાતૂન વણવા માંડી છે,
હવે અમારાં ઝાડુ
શબ્દો પર પડેલી ધૂળને ય
ખંખેરી સાફ કરવા માંડ્યા છે.
અમારી કોઢ ચાલુ જ છે.....
ચાલુ જ છે....

એમાંથી પ્રગટતા શબ્દોની આભાને ઓળખ.
એનાં પ્રત્યેની આભડછેટ બંધ કર
નહીં તો
આવતી કાલનો ઇતિહાસ
ઊભો ઊભો
તારા મોંમાં
મૂતરની ધાર કરશે.....

No comments:

Post a Comment