Saturday, December 13, 2014

પણ.....





પ્રિય નીપા,
તું જેને ચાહે છે
તેની સાથે મારે કોઈ
સંબંધ નથી.
હું જેને ચાહું છું
તેની સાથે તારે કોઈ
સંબંધ નથી.
ને તો ય
હળી ચુકી છે આપણી ન નજર.
તેં તારાં બાળપણમાં
વાંચ્યા હશે
લીસ્સાં પાનાં પર છપાયેલાં
સચિત્ર રામાયણ,મહાભારત
કે ગીતાના શ્લોકો,
હું તો
અક્ષરને ઓળખતો થયો ત્યારથી
જોતો ને વાંચતો આવ્યો છું
મારી ચાલીના
સાર્વજનિક સંડાસોની
પીળી પડી ગયેલી ભીંતો પર
કોલસા વડે દોરાયેલાં ચિત્રો
અને લખાણ.
‘ બા બા બ્લેક શીપ’ અને
ટ્વિંકલ ટ્વિંકલ લીટલ સ્ટાર’ થી
આરંભાયેલા તારા અભ્યાસે
તને વાત વાતમાં
‘થેંક યુ ‘ અને ‘સોરી’ની
ટેવ પાડી છે અને
‘એક બિલાડી જાડી’ થી શરુ થયેલી
મારી પઢાઈએ
મને મેનરીઝમથી
જોજન દૂર રાખ્યો છે.
ઓફિસમાં આવતા
પેલા બૂટપોલિશવાળા છોકરાને
તું તારા ટેબલેથી
વેગળો કાઢી મુકે છે
અને હું
બે રૂપિયા વધારે આપી
એની પાસે પોલિશ કરાવું છું.
કોઈ ચાલી આગળથી પસાર થતાં
રૂમાલ તારા નાક પર આવી જાય છે
અને હું એવી જ ચાલીમાં
આજે ય મોજથી
રાતવાસો કરી લઉં છું.
અને એટલે જ
અહીં હાજર થયા પછી
મારાં કપડાંની સફાઈ
અને ચિપાઈને બોલાતી
ભાષાની સ્વચ્છતાથી
અંજાઈને
તેં જ્યારે મને
રેસ્ટોરાંમાં આઈસ્ક્રીમ ખાવા
પ્રસ્તાવ મૂક્યો ત્યારે
જાણે ઠંડો આઈસ્ક્રીમ નહીં
પણ ધધકતો આગનો ગોળો
મોંમાં મૂકવાનો હોય એમ
હું ધ્રૂજી ઊઠેલો...
પ્રિય નીપા,
તું મને આકર્ષે છે...પણ...
પ્રિય નીપા,
તું મારાથી આકર્ષાઈ છે..પણ...

No comments:

Post a Comment