Saturday, December 13, 2014

તું હાર્યો તો નથી જ

તું ખૂબ મથ્યો મારા બાપ
ખૂબ મથ્યો-
અજગર જેવાં આ લોકોના
 ભરડામાંથી અમને ઉગારવા.
પણ બહુરૂપિયા છે આ લોકો તો.
અજગર પણ બની શકે છે
અને અમીબા પણ બની શકે છે આ લોકો.
વાઘ પણ બની શકે છે
અને શિયાળ પણ બની શકે છે આ લોકો.

તું ભોળવાયો
આ લોકોની સાથે બેઠો,
આ લોકો તારી સાથે બેઠા.
ગોળ પણ બેસી શકે છે
અને હરોળબંધ પણ બેસી શકે છે આ લોકો.
પછી તો મેજ પણ હતાં.
મેજ પર આ લોકો પણ હતાં-
ણ હતો માત્ર તું.
તું મુત્સદ્દી ણ હતો એવું તો નથી જ
પણ ધગધગતા પ્રહાર સાથે
આંધી પણ પેદા કરી શકે છે આ લોકો
અને શીતળ ધાર સાથે
ગાંધી પણ પેદા કરી શકે છે આ લોકો.
બથાવી પાડ્યું આ લોકોએ
મિલકતનું થડિયું
અને આપ્યાં તારા હાથમાં
ડાળાંપાંખળા અનામતનાં.
જમીનને ચાવીરૂપ ઉદ્યોગોનું રાષ્ટ્રીયકરણ
સ્ત્રીઓના અધિકારો અને બંધારણનું રક્ષણ
તારા બધાય વિચારો
દટાયા ભોંયમાં
ને છેવટે તું ધકેલાયો હરોળ બહાર
સંસદના ચોતરે
એકલો
અટૂલો
ખુદ શસ્ત્ર બની પણ બની શકે છે આ લોકો
અને બીજાને શસ્ત્ર બનાવી પણ શકે છે આ લોકો.
ને છતાંઆ લોકો સામે
તું  હાર્યો જ છે
એવું તો નથી જ.
હિમયુગની સદીઓ જેવી જામી પડેલી
એમની સખત નાગચૂડ
ઓગળતી જાય છે આજે
એ પ્રતાપ તારો છે.
મૂગાં મૂગાં  પશુઓ
સમયની સડેલી ખલ ઉખાડી
માનવ બનવા માંથી રહ્યાં છે આજે
એ પ્રતાપ તારો છે.
જે ધરતીની ધૂળમાં ધરબાયેલી હતી
દ્રશ્યોથી દૂર દૂર તરછોડાયેલી હતી
ને શમણાંનાં ગામથી હડસાયેલી હતી એ આંખ
આસપાસના તારાની આરપાર પણ
મીટ માંડી શકે છે આજે
એ પ્રતાપ તારો છે.
હાથ જોડી જોડીને
હાથની રક્તવાહિનીઓનું
થીજી ગયેલું લોહી
હણહણી ઊઠ્યું છે આજેએ પ્રતાપ તારો છે.
અક્ષરોના અવાજથી થરથરનારા
અક્ષરોના મારથી મરનારા
અક્ષરોની ગોફણ ચલાવી પણ શકે છે આજે
એ પ્રતાપ તારો છે.
લાદવાની જેમ પછી જનારાઓને
અગત્સ્યનાં આર્યસંતાનોનાં
અફાટ સિંધુ જેવાં પેટ
પચાવી નથી શકતાં આજે
એ પ્રતાપ તારો છે.
દંડા જ ખાનારાઓના એક હાથમાં
વાદળી ઝંડો છે અને બીજાં હાથમાં
લાલ ઝંડો છે આજે.
ક્રાંતિની જાંબુડી મશાલ
ભભૂકી ઊઠશે કાલે
તો એ યશનો સહભાગી
તું પણ હોઈશ, મારા બાપ.
મથ્યો છે તું,
ખૂબ મથ્યો છે
અજગર જેવાં આ લોકોના
ભરડામાંથી અમને ઉગારવા.

હું જન્મ્યો ત્યારે


હું જન્મ્યો ત્યારે
બાળક ન હતો,
સપનું હતો સપનું;
હજાર હજાર વરસથી
ચગદાયેલી મારી માએ
હાડહડતા અન્યાય સામે જોયેલ
ધગધગતા વિદ્રોહનું સપનું.

મારી આંખોમાં
હજી અકબંધ છે
કરચલીઓથી ઘેરાયેલો
હજાર વર્ષ પુરાણોએનો ઓશિયાળો ચહેરો.
ચહેરામાં છલકતાં
આંસુનાં બે સરોવર
એની સરવાણીએ
સીન્ચાયો મારો દેહ.
મને યાદ છે
ગાઉભર દૂરના તમારાં કૂવે
કલાકો લગી તપીને
ઉનાળાની ભરબપોરે
હાંફતાં હાંફતાં ઘરે આવીને
એને મને પાણી નહીં,
પરસેવો પાયો છે પરસેવો.
તમે તો શીખવેલો એને
‘ભાઈ શાબ ..માબાપ
છૈયાંછીએ તમારાં,
જીવવા દો બાપા.’
મને યાદ છે
એને તમે કૂવા પાસે ધૂન્ક્વા દીધી નથી.
એને તમે ચોર પાસે ઢૂંકવા દીધી નથી.
એને તમે અક્ષર પાસે ઢૂંકવા દીધી નથી.
તમારી નાલાયકીના કળણમાં ફસાઈને
તરફડતી મારી મા.
તમારા હિંસક સામ્રાજ્યમાં
પળેપળે રહેંસાતી મારી મા.
એ મુક્ત હવામાં શ્વાસ લેશે હવે,
તાપમાં તપતા એના દેહને
લીમડાની શીળી છાંય મળશે હવે.
તમારો કૂવો
એનાં ચરણ પખાળશે હવે.
તમારો ચોરો
એનું રાજ્યાસન બનશે હવે.
તમારા અક્ષર
એનાં હથિયાર બનશે હવે.
જુઓ. આજ લગી જે તમારી જ હતી
એ સરસ્વતીનો
આજે હું સ્વામી બન્યો છું.
આજ લગી જે તમારી જ હતી
એ લક્ષ્મીનો
આજે હું સ્વામી બન્યો છું.
મારી દીકરી ગણપતિને પ્રાણી ગણી
એના કાન આમલે છે  આજે.
હું એની આંખોમાં કાજળ નહીં
ઉદ્ધતાઈ આંજું છું.
ભડકે બળશે હવે તમારા
ફ્લેટો ને ટેનામેન્ટો,
તમારી સ્કૂલો ને તમારી કચેરીઓ,
તમારી બેડીઓ ને તમારી ચોકીઓ,
તમારા ચોરા ને તમારાં મંદિરો.`
હું અંગારો છું-
તમે  બાળી ફૂટેલી
ઝૂંપડીની રાખમાં
રહી રહીને પ્રજલતો અંગારો,
મુક્તિનો સહેજ પવન મળ્યો છે મને,
ધગધગતી આગ બન્યો છું હવે.
મને યાદ છે
હું જન્મ્યો ત્યારે બાળક નહોતો,
સપનું હતો સપનું-
હજાર હજાર વરસથી
કચડાયેલી મારી માએ
હાડહડતા અન્યાય સામે જોયેલ
ધગધગતા વિદ્રોહનું સપનું.

એટલું જ, વિશેષ કશું નહીં

આમ તો રઘલા
મારી ચાલી અને તારી સોસાયટી વચ્ચે
કશું નથી.
છે માત્ર એક દીવાલ
પાંચ સાડા પાંચ ફૂટની દીવાલ.
બસ એટલું જ, વિશેષ કશું નહીં.

પંદરમી ઓગસ્ટ કે છવ્વીસમી જાન્યુઆરીએ

તારા બંગલા પર ધ્વજ ફરકે છે ત્યારે
’વંદે માતરમ્’ અને જનગણમન’ ના સૂરો
મિલના સંચાની ઘરઘરાટીને ભેદીને
મારા કાન સુધી પહોંચી શકતા નથી
એટલું જ, વિશેષ કશું નહીં.
તારો ભાઈ
એરકન્ડીશન્ડ રૂમમાં
રંગીન કવાયત અને સલામી
જોતો હોય છે ત્યારે
મારો ભાઈ
સિપોરના કોઈક પારકા ખેતરમાં
વૈતરું ફૂટતો હોય છે
એટલું જ, વિશેષ કશું નહીં.

તું તારા બનેવીના ટ્રકમાં બેસીને
રથયાત્રાનાં દિવસે
મુઠ્ઠી માંગનો દાતા થઇ
હરખપદુડો બન્યો હતો ત્યારેમારો પડોશી
એની ટાઈફોઈડથી ગુજરી ગયેલી બેબીને
રડી પણ શક્યો ન હતો.
એની અશ્રુગ્રંથિઓ પર અસહ્ય દબાણ હતું
એનો ચહેરો અને મન બંને તંગ હતાં.
બલીયાએ- ભીમના લફરા નંબર એકની પેદાશે
એને રડવાની મના ફરમાવી હતી
એટલું જ, વિશેષ કશું નહીં.

તું જન્માષ્ટમીના દિવસે
તારા કુટુંબ સાથે
કારમાં ફરવા નીકળ્યો ત્યારે
હું મારી બેબીના ફાટી ગયેલા ફરાકને
થીગડું મારતો હતો.
બેબી સમજણી થઇ ત્યારથી
પાંચ પાંચ મેળા ગયા
હું એને રમવા માટે
ચાવીવાળી મોટર પણ નથી લાવી આપી શક્યો
એટલું જ, વિશેષ કશું નહીં

અનામતનાં હુલ્લડો વખતે
એક દિવસ
તારા ધાબા પરથી
સણસણતો પથ્થર
મારા લમણામાં ઝીંકાયો હતો
અને છૂટી હતી લોહીની ધારા.
પાછળથી જ આવેલી મશાલે
મારાં ઘરને કૂટી બાળ્યું હતું
એટલું જ, વિશેષ કશું નહીં

ક્યારેક ’ભારત મારો દેશ છે’નો
શાળાજીવન દરમિયાન કરેલો પોપટપાઠ
યાદ આવી જાય ત્યારે
હું ખડખડાટ હસી પડું છું

પ્રતિરૂપોની ખોજ

તું ખીચડી ઓરવા માટે
 દાળચોખા વિણે છે
કે દળણું કરવા 
ઘઉં વિણે છે એટલી ચીવટથી
હું લખવા બેઠો છું કવિતા
પ્રિય, તારા વિશે.

વિચારું છું
તારા ચહેરાને શી ઉપમા આપું?
બહુ વપરાઈ ચૂક્યો છે ચાંદ
આઠમનો ને પૂનમનો ય,
ફૂલ પણ તાજું રહ્યું નથી એકેય.
વળી મારે શોધવા છે એવાં શબ્દ
જેને તું ને હું
ઓળખતાં હોઈએ,
જીવતાં હોઈએ
ને એટલે જ
હું કહીશ કે
મરચું વાટવાના દસ્તા સમો
લંબગોળ ભલે હો તારો ચહેરો
કે પછી કોઈ અણઘડ કારીગરે
તાન્કાનાથી ઠોકી ઠોકીને
બનાવેલા ખલ જેવો
શીળીનાં ચાઠાંવાળો
ભલે હોય તારો ચહેરો
હું એણે ચાહું છું,
ચસોચસ ધાવું છું.
તું ચા બનાવતી વખતે
બુરાને બદલે મીઠું ન નંખાઈ જાય
એની જેટલી દરકાર રાખે  છે
એની જેટલી દરકાર હું રાખીશ પ્રિય
તારાં વિશેની આ કવિતા
લખતી વેળા.
ને એટલે જ હું તારા દાંતને
દાડમની કળીની ઉપમા નહીં આપી શકું
હું તો કહીશ કે
મકાઈના ડૂંડામાં રહેલા
અસમાન રીતે ગોઠવાયેલા
નાનામોટા દાણા જેવા છે તારા દાંત.
તારી આંખોને
હું મૃગલીનાં નયન
કે મસ્તીના જામ નહીં જ કહી શકું
હું તો કહીશ કે
નાનપણમાં
ચોટબિલીસ રમતાં
ભીંત સાથે અફળાઈને
તૂટી જતી પાણીદાર ડેબીનાં
ફાડિયાં જેવી છે તારી આંખો.

મારાં પાંચ પાંચ બચ્ચાંને
જન્મ આપીને
વસૂકી ગયેલી તારી કાયાને
હું વરસી ચૂકેલી વાદળી
કે કરમાઈ ગયેલું ફૂલ
કે ચુસાયેલી ગોટલી તો નહીં જ કહી શકું.
હું કહીશ તો એમ જ
કે પટેલિયાંનાં છોકરાઓએ
ઝૂડી પડેલી બોરડી જેવી તારી કાયા
હજીયે આપે છે મને મીઠાશ,
રંગરોગાન થોડાં ઉખડેલી
જૂની ઢીંગલી પણ
નાના બાળકને
આપી શકે એટલો આનંદ.

તારા રંગને
હું કૃષ્ણ જેવો કાળો
કે નીલા આકાશ જેવો તો
હરગિજ નહીં કહી શકું.
હું તો કહીશ કે
માએ સગડું ઠલવતાં
સાવ હેઠેથી નીકળતી
રાખ્યા જેવો છે તારો રંગ
કે પછી માએ ખરીદેલા
સ્વાદમાં તો બરોબર
પણ દેખાવમાં સહેજ શ્યામ
શીરા જેવો છે તારો રંગ.

તારા સ્વભાવને
હું ગુલાબ જેવો ગુલાબી
કે બરફી જેવો મીઠો તો નહીં જ કહી શકું
હું તો કહીશ કે
તારો સ્વભાવ છે
દારૂ પીતી વેળા ખવાતી
તાજી શેકેલી કોંકણી જેવો
કે પછી
ટાઢી છાશ રેડી
ટેસથી ખવાતી ઘેંશ જેવો.
તારાં પ્રેમને હું
ગંગાકી મૌજ કે જમનાની ધારા તો
નહીં જ કહી શકું.
હું તો કહીશ
કે શિયાળાની સવારે
ગરમગરમ હવાની સાથે
એટલા જ ખળભળાટથી ધસી આવતા
મ્યુનિસિપાલિટીના  નળના
કરકરા પાણી જેવો
હૂંફાળો ને તાજગીદાતા છે તારો પ્રેમ
કે પછી મધરાતની મીઠાશને
હળવે હળવે
કેરીની જેમ ઘોળતા હાથ જેવો
મૃદુ ને માવજતભર્યો છે તારો પ્રેમ.
હા પ્રિય,હું લખું છું
તારા વિશે કવિતા
ને એટલી રાખીશ હું ધીરજ
જેટલી ધીરજ તું
રહુ મચ્છીનાં ભીંગડાને
દૂર કરતી વેળા રાખે છે
કે પછી
ટાઢી સવારે
ભૂસાના સગડા પર 
બાજરીના રોટલા ચેડવતાં રાખે છે.

જો કે આમ છે છતાંય
લંબાયેલા સમાગમથી
ક્યારેક જેમ અકળાઈ જાય છે તું
એમ હું ય
અકળાઈ ગયો છું આ કવિતા લખતાં
ને પછી
પાણી સહેજ વધારે પડી ગયું હોય
ને રસો સ્હેજ વધારે રહી ગયો હોય તોય
તું ઉતારી લે છે ક્યારેક ઉતાવળથી
ચૂલા પર ચડતું શાક.
બસ એટલીજ ઉતાવળથી
હું મૂકી  દઉં છું
ભાવક સામે
પ્રિય ,
તારા વિશે લખાયેલી કવિતા.

એક રકાબી ફૂટી .....

    

















એક રકાબી ફૂટી .....

તડાક દઈનઅ તૂટી ખણણ ખણ
કકડા પથરા પર વેરાંણા
લક્ષ્મી વહુ તો હબકી જઈ
ઝડપ કરીનઅ કટકા વેણયા
ભેગા કરીનઅ નાખ્યા
ડબ્બામઅ દયણાના
વિચાર્યું,દયણઉ દળઆવા જીએ નઅ તાણઅ
કોઈ ના ભાળઅ ઈમ
નાખી દિયે બા’ર .
પણ...
ઓહરીમઅ બેઠેલી હાહુના
હરવા અતા બઉ કાંન
વાયરલેસ જયો પ્હોંચી કાંને
‘અલી લખ્ડી
હું ફોડ્યું તેં
ચમચી જેલી ડોળા દીધા નહી ભાગવાંને ‘
‘’ કાંય નહી મા
રકાબી મૂકવા જતી’તી ત્યાં તો
ઉંદેડી પગ પરથી દોડી –
રકાબી છટકી હાથમઅથી જઈ
એટલઅ ફૂટી.’’
‘ફૂટઅ નૈ હોંશની ડોળા તારા
ઉંદેડી તો બા’નુ ખાલી
મનઅ ઈ ખબર પડઅ છઅ ઓવઅ
ડુંગળી જેવા ડોળા તારા
નહી રતા ઠેકાણઅ
ભથિયાની તુ હાવ બળેલી
તળિયાની તુ હાવ તૂટેલી
બીજુ કાંય ના જાણઅ
બસ પ્હોળા થઇનઅ પડી રવુ છઅ
વધારે જવા છઅ લળધા
ગધ્ધિ રાંડો આજકાલની
કરવાની હું ઈમનઅ
બોલ લી, તે
હન્તાડ્યા ચાં કટકા.’

‘’ ચાંય નહી હન્તાડ્યા પેણે
ખૂણામઅ  મૂક્યા છઅ વેણી
અમણઅ કચરો કાઢતઅ ઇનઅ
નાખી દિયાએ.’’

‘હોવ નાખી દિયાએ
બોલ્યા નાખી દિયાએ
ગધ્ધીની છોડી બોલ્યાં-નાંખી દિયાએ
કાંય આયુતુ જોર
નોહો નંદવઈ જઈ છઅ
પેટે પાટા બાંધીનઅ
આજ દન ચલાયુ
તારો બાપો ન તો આયો આલવા
હું આલ્યુ છઅ તારા બાપે
કોંઠા આલ્યા તારા બાપે
વાઢીન વાઢીન ભારા આલ્યા તારા બાપે
બઉ વરસી જયો
બાપો તારો બઉ વરસી જયો
તૈણ વરહની છોડી થૈનઅ
તો ય જીયારુ રયુ લટકતુ

ઓહોહોહો,બાપો તારો બઉ વરસી જયો ‘

‘’જુઓ મા,પ્હેલઅથી કઈ દઉ છુ
મારા બાપાનઅ કાંય નૈ કે’વાનુ
મનઅ કો’નઅ જે કે’વાનુ હોય એ
મારા બાપાએ બગાડ્યુ હું...’’

‘ઓહોહો..જીભડો વધ્યો છઅ કાંય
હાંમુ બોલઅ છઅ લી
ગધ્ધીની છોડી મારી
હાંમુ બોલઅ છઅ લી
હાંભળઅ છઅ ગોમલી
જોનઅ આ સેઠાણી
હાંમુ બોલઅ મારી
હાહુ મારી થઈનઅ
આઈ હોય ઈમ આ તો
હામુ બોલઅ છ કાંય
તડાકા લઇ લઇનઅ ‘

‘’ જુવો તમારા
રોજ રોજના ચેક્લાઓથી ત્રાસી જઈ છુ
ઉંદેડુ અગઅ નઅ તો ય ચેક્લા
ગરોળી ફરઅ નઅ તો ય ચેક્લા
બિલાડી ચઢઅ નઅ અભરઈ પરથી
પડઅ વાટકી તો ય ચેક્લા
ગોદળઊ બા’ર હુકાતુ
ગાય ખાય નઅ તો ય ચેક્લા
તૈણ દા’ડા મોરે જ
તૂટ્યુ તાંહનુ તમારા હાથે
ઈનો કાંય વાંધો નૈ
મારા હાથે ફૂટી રકાબી –તરત ચેકલા
ઈસ્ત્રી કરતઅ બુશોટ બળી જયો
જગદીશભઈના હાથે
કાંય વાંધો નૈ
મારા હાથે ફૂટી રકાબી –તરત ચેક્લા
વઉ હાહુની હાંભળી જીભાજોડી
લોક થઇ જયુ ભેળુ તમાશો જોવા
આસપાસના બધા પડોસી ઊમટ્યા     
તાલ ખરો જામ્યો છઅ હાળો
વગર પૈસાનુ નાટક
ડોશી બોલઅ ;
‘જોનઅ ગોમલી
આ તો આપળી ઉપરી
આપળા ગુના હોધી હોધીનઅ આ તો
આપણનઅ દબડાવઅ
પાછી રોઈ ફજેતો કરીનઅ
આ તો પાછા પાડઅ
બઉ શાંણી છઅ
સીતાની બુન આ બ્ઉ શાંણી છઅ
ઘરવાળાનઅ હાથમઅ રાખઅ
લટુડા પટુડા કરનઅ એવા
ભઈ બિચારો ભરમઈ  જયો છઅ 
ભાળીનઅ બઈરાના કૂલા
ભઈ તો પડી જયા છઅ ભૂલા
કુંભારજાની ખબર  નહી કાંય  ભઈનઅ
ભઈ તો ભરમઈ જયો છઅ
ઇની જ આંખે એ ભાળઅ છઅ
લ્યો...યાદ કર્યો નઅ આઈ જયો આ
રાંમબાયલો
આવરદા તો બઉ મોટો છઅ  હું કરવાનો
બઈરાની આગળ તો પાદી ય હકાતુ નહી
મોટા આવરદાનઅ કરવાનો હું
ખબર ન’તી ક ભઈ બદલઈ જવાનો
બઈરુ ભાળીનઅ ઇની આંખે જોવાનો
ઇના ઇસારે નાચઅ  આ તો
ઈનુ પઢાયુ બોલઅ
બઈરાનઅ મન ફાવતુ મળઅ
આં ય આપળે જુત્તાઓના તોલઅ
ફોડઅ ઢોળનઅ તો ય કાંયે કે’વાય નૈ
ઘરમઅ ભજવાડ કરઅ તો ય કાંયે કે’વાય નૈ
આડુ અવળુ બોલઅ તો ય કાંય કે’વાય નૈ
તડાકા લઇનઅ હોંસ હડસેલા મેલઅ નઅ
           તો ય કાં ય કે’વાય નૈ
ઘરમઅ રંડીનુ રાજ થયુ છ
દેસમઅ ચાલઅ ઇન્દુલાનુ
ઓંય લખમીનુ રાજ થયુ છઅ
લોકો વારઅ નઅ તો ય ડોસી જપઅ નૈ
હાહ ય ના ખાય ન બોલઅ ;
‘જાટલેમનની છોડી આ તો
રંડી જાંણઅ લાટ ગવંડર ની બેટી
રંડી જાંણઅ પ્હોળા પ્હોંચતા સેઠની છોડી
રંડી જાંણઅ આખ્ખા ય ઘરની રાંણી
અનઅ ભઈ તો બચારો હાવ પોચકો
હીજડાનઅ ય કોઈ દન પાંણી ચઢઅ આં તો
હાવ ટાઢોબોળ
કાં ય અસર ના થાય
તારા બાપાનઅ જોતઅ તુ કાંય નૈ
તારો બાપો તો હાચો મરદ લ્યા
કોઈ દન મારાથી તો બોલી હકાય નૈ
ઊંચા અવાજે
ઉનાગુના ના થાય
એક્કી એક હાડકુ ખોખરુ થઇ જાય
તો ય રોઈ ના હકાય
તાણઅ ચાલતુ’તુ ઘર
આવી રીતે તો વળી થતા અસે ઘર
આવી રીતે તો વળી ચાલતા અસે ઘર
આવી રીતે તો વળી બઈરાં  રતા અસે
તારા બાપાની અડધી કળા ય
નહી તારામઅ દેખાતી
ઢઆંકનીમઅ પાંણી લઈનઅ ડૂબી મર
એક તો ના રઈ
આં બીજી ય નૈ રઅ
તારા જેવો રાંમબાયલો પાક્યો મારી કૂખે
તારો બાપો નહી તે બધુ હાંભળવુ પડતુ
ઠેબા ખાવા પડતા....’
કઈનઅ ડોસી એ તો ઠુંઠવો મેલ્યો –
અનઅ પછી તો ભઈનઅ ચડ્યુ હૂરાતન-
જાગ્યુ જાગ્યુ ભઈનામઅ હૂરાતન જાગ્યુ
કાળઝાળ થઇ ભાયડો છૂટ્યો
માતેલો કોઈ આખલો છૂટ્યો
તીર છૂટઅ કોઈ ધનુષમઅથી
એવો મરદ મૂછાળો છૂટ્યો
બન્દૂક્મઅથી ગોળી છૂટઅ
એવા વેગે મરદ કરી હૂરાતન છૂટ્યો
ધાડ પડઅ નઅ બુંગિયો વાગઅ
શૂરાપૂરા હઉ રક્ષણ કરવા દોડઅ એવો
પુરુસાતનનુ રક્ષણ કરવા
ક્રોધભર્યો વીર વિનિયો છૂટ્યો
કોઈનો રોક્યો ના રોકાંણો
કાળભર્યો બલવન્તો છૂટ્યો
મરદન્અ હમજી હું બેઠા લ્યા
નર બઉ હિંમતવાળો છૂટ્યો
થર થર ધ્રૂજતી લખડી ઉપર
ઝપટ લગાઈ તૂટ્યો
જાણે હમડી તૂટી નાગ પર
એવો મરદ મૂછાળો તૂટ્યો
બકરા ઉપર સિંહણ તૂટઅ
એવો આં બલ્વંતો તૂટ્યો
બિલાડા ઉપર કૂતરી તૂટઅ
એવો લખ્ખણવન્તો તૂટ્યો
ઉંદર ઉપર બિલાડી તૂટઅ
એવો મરદ મૂછાળો તૂટ્યો
બાલ ઝાલીનઅ ખુણામઅ હણફી
બઈડામઅ એક ઘુમ્બો મેલ્યો
ડાચા ઉપર દીધો તમાચો
છાતીમ્અ એક ઠુંહો મેલ્યો
હમળી હોલા ઉપર તૂટઅ
એવો બા’દુર મરદ તૂટ્યો
લાતમલાત,ઘુમ્બમ ઘુમ્બા ..ઠુંહમ ઠુંહા
‘’ મારી નાખો,દબાઈ ગોગળી
મારી નાખો મરી જવુ છઅ આજ તો મારઅ ‘’
લખડી જાંણે જીદ પર આઈ
ચાર જણાએ ઝાલ્યો તો યે
ભઈ તો ના હાધો રઅ
લખડીનો પડકાર હાંભળી
રોમ રોમ મઅ ભઈનઅ છુટ્યુ હૂરાતન પાછુ
મરદાનગી આખ્ખા ય જગની
જાંણે ભરઈ જઈ હાથમઅ
મુઠ્ઠી વાળીનઅ એક મુક્કો ઠઠાડ્યો ઇને
લખડીના પેટમઅ
લખડીના મૂઢાથી ફૂવારો લોઈનો છૂટ્યો
ફાટી જ્યા ડોળા ભઈ ઠંડા પડઅ નૈ તો ય
ચાર ચાર જણાએ ઝાલ્યો તો યે
ચાર ચાર જણાએ ઊંચો કરીનઅ ઇનઅ
હડસેલ્યો બ્હાર...
પત્થર ઉપર ચત્તાપાટ પડેલી લખડી
કૂતરાએ ફેંદોળી નાખેલ બિલાડી જાંણઅ
કોઈએ ઇનઅ પંખો નાખ્યો
કોઈએ માથઅ છાંટ્યું પાંણી
ડોસી ય હાંફળીફાંફળી થઇ જઈ
‘ડોક્ટરનઅ  કોઈ ના બોલાવસો
અમણઅ આઈ જસે ભાંનઅ મઅ
પવન આવ્વા દો જરા
આઘા ખસો લ્યા જરા
અમણઅ આઈ જસે ભાંનમઅ’
કંઈનઅ ડોસી રોવા બેઠી           
પંદર મિનિટ પછી ભઈ લખડી ભાંનમઅ આઈ
ડોસીના જીવમઅ જીવ આયો કઅ લખડી ભાંનમ્અ આઈ
ભઈની મરદાનગી ભોંઠી પડી ક લખડી ભાંનમઅ આઈ
પણ
તો ય હાહુ તે માફી કદી માંગતી અસે
મરદ તે કોઈ દા’ડો  નમતો અસે
મનમઅ બઉ થાય બા’ર અક્કડ અક્કડ
ક લખડી ભાંનમ્અ આઈ
ઇને કરેલા ધૂંગ ચેવી ભાંનમઅ આઈ
આં તો સ્ત્રીનુ ચરિતર ચેવી ભાંનમઅ આઈ.
આં તો રોજનુ થયુ લ્યા
આં તો રોજનુ થયુ
જાણે બન્યુ ના કાંય ઈમ
હવ હવ્ના કામમઅ ભરોણા
પણ...
વીતી હોય જેના પર ઈનુ મન ચાંય લાગઅ
લખડીની આંતેડી કકળી ઉઠી;
‘મારુ જીવવુ છઅ રાખ
કુટાવુ-ધીબાવુ ભૂંડી પઠમઅ
બળ્યો સ્ત્રીનો અવતાર
મેં તો હું યે કરેલા અસે પાપ
મળ્યો સ્ત્રીનો અવતાર
મેં તો ધાવતા વછોડયા  અસે બાળ
    મળ્યો સ્ત્રીનો અવતાર
મેં તો કરમોકરેલા અસે કાળા
    મળ્યો સ્ત્રીનો અવતાર
મારી મા,આજ છેલ્લા જુહાર
જતઅ જતઅ મેળાપો નૈ થાય
માડી છેલ્લા જુહાર
તારી કૂખે ધરેલો અવતાર
માડી,તે તો સુખેથી ઉછેરી
મનઅ કોઈ દન ખાસ ય નહી કીધુ
મનઅ દુઃખ ય નહી પડવા દીધુ
મુ તો એકની એક લાડવાયી
મનઅ લાડે નઅ  કોડે ઉછેરી
મનઅ લાડે નઅ કોડે વળાઈ
બાપા તમે તો રોયા’તા બઉ
મનઅ ગળે લગાઈ.
અવઅ છેલ્લી વારકુ ય રોઈ લેજો
બાપા,છેલ્લી વારકુ ય રોઈ લેજો
અવઅ કોઈ દન રોવડાવવા મુ નહી આવવાની
નહી ડખા લઇનઅ  ઘેર દોડી આવવાની
મારી મા,
આજ છેલ્લો ડખો મારા જીવતરનો માંન
આજ છેલ્લો દા’ડો મારા દુઃખનો યે જાંણ
બઉ દુઃખી જીવતર
મારા પઈણયા  મનઅ તેં ના હાચવી
રોજ રોજ મારઝૂડ નેની નેની વાતોના રોજે ડખા
વ્હેમાવાનો તો નૈ પાર
મુ તો રીહઇનઅ ચેટ્લી વાર જઉ
મારા પિયરમઅ ચેટલા દન રઉ
તો ય કંટાળી ત્રાસીનઅ
છૂટી થઇ જઈ
લીધુ લખણઉ  નઅ બીજે દોરાણી
મુ તો ઊલમઅથી ચૂલમઅ ફસાંણી
મારા બાપ
મુ તો ઘરની બળેલી જઈ વનમઅ
ન વનમ્અ તો લાગી જઈ લા’ય
આં તો નાતરુ ય પાર નૈ પડઅ
અવઅ રીહઇન્ પિયર નૈ આવુ
નહી લખણઉ  લેવુ
નહી ફરીથી નાતરુ કરવુ મારી મા
મારી કાયાનઅ ચેટળી ચૂંથાવુ
આજ છેલ્લો ઉપાય બળ્યુ જીવતર બેકાર
મારા વીર
તનઅ ભાગવાંન બુદ્ધિ હરી આલઅ
મારી ભાભીનઅ હારી પઠમ્ રાખજે
ઇનઅ લાગણી છ એટલુ વિચારજે
ઈનુ રાખજે બ્ઉ ધ્યાંન
મારા વીર
બ્ઉ ઓસિયાળો સ્ત્રીનો અવતાર
જ્યાં દોરઅ ત્યાં દોરાવુ
લઈ જાય ત્યાં જવુ
નઅ કે’ ઈમ કરવુ
તાબેદારી છઅ નરી તાબેદારી
હાળુ નરક હારુ હોય આંનાથી
આ તો નરકથી ભૂંડી છઅ દુનિયા ખદબદ્
પેલા ભૂંડની પઠમ્ દોડઅ આ દુનિયા
ઇનઅ પૈસાથી કાંમ્
લેવાદેવા માંણસ જોડે કાંય નૈ
લાવો લાવોની લ્હાય – આલો આલો ની લ્હાય
કદી હમજઅ ના કાંય
આં તો વેળાવેળાની છઅ છાંયડી
મારા બાપાનુ આંમ્ મોટુ ખોયડું ગણાતુ
પણ પડતી વેળા ઈમની થઇ
માથઅ દેવાનો ડુંગર ખડકાંણો
કરઅ જીયારુ ચ્યાંથી એ રૂપિયા લાઈન્
એની જોડે અતુ એટલુ આલ્યુ
આં તો હમજઅ ના કાંય
લાય લાય-ની જ લ્હાય
ળે,લઈ ળે આં જીવ્- આજ આલી દઉ જીવ્
પછઅ જીવડો એનોયે ધરાસે
જીવ્ અવગતિયો થાય-ભલે થાય
મારો નરકથી છૂટકારો થાસે’
ઇને ટીનકીન્અ જોડે બોલાઈ
આલી ખીચડી ખાવા
ઓહરીમ્અ બેઠેલી ડોસી હમજી કઅ
માંની જઈ વ્ઉ હેંડો હારુ થયુ
હેંડો હારુ થયુ
પણ ઇનઅ ખબર નહી
આંતેડી લખડીની કકળી છઅ આજ
એ તો કરતી કલ્પાંત્ –
‘ મારી ટીનીનુ હું
તઈણ વરહની ટીનકી માથઅ દુઃખના જંગલ ઉગસે.
ના...ના..એવુ તો નૈ થવા દઉ
દીકરી એવુ તો નૈ થવા દઉ
તનઅ એકલી મુકીનઅ નૈ જઉ
આં તો દુનિયા બેકાર – બળ્યો આવો સંસાર
આંય જીવ્વામઅ  કાંય નહી સાર
મારી દીકરી- આવી દુનિયામઅ નહી રે’વુ .
બળ્યો સ્ત્રીનો અવતાર
આવા ઓસિયાળાજીવતરનઅ સ્હેવુ
ના...ના... દુઃખી તનઅ થવા દેવી નહી
આજ માન-દીકરી બે હંગાથ
મોટા ગામતરે જાવુ
બ્ઉ કરતી કલ્પાંત
કરઅ લખડી કલ્પાંત
એ તો ગાળો મેલમણીયાનઅ બોલઅ
‘તારુ નખ્ખોદ જ જજો રે વચગાળીયા,
મનઅ આવા ઠેકાંણઅ હલવાડી
મનઅ કૂવામઅ દીધી ઉતારી
મારી ચારે બાજુએ અંધાર
આવા અંધારે ચેટલુ કુટાવુ
નહી રસ્તો બીજો –નહી રસ્તો બીજો
આજ મા નઅ દીકરી બે હંગાથ
મોટા ગામતરે જાવુ
મારી મા ,મારા બાપ, મારા વીર
આજ છેલ્લા જવાર
કઈનઅ પેટી દિવાહળીની લીધી
ટીનકીનઅ બચીઓ ઉપરાઉપરી
એ તો કરવા માંડી નઅ ઝટ
ડબલુ ઘાસલેટનુ ઉપાડ્યુ
હાંકળ ધડાક –દઈનઅ ઘરની મારી
ઇને ડબલુ ઘાસલેટનુ ઉપાડ્યુ
હાંકળ ધડાક –દઈનઅ ઘરની મારી
ઇને રેડ્યુ કેરોસીન-પોતાની કાયા પર
ત્રણ વરહની ટીનકી ઉપર
ડબ્બો આખો છાંટી દીધો –પોતાની કાયા પર
ખચ્ચ ..
દીવાહળી હળગાઈ..ચાંપી ..
ભડ ભડ ભડ ભડ ભડકો
મોટો ભડ ભડ ભડ ભડ ભડકો
લખડી હળગી લખડી હળગી
બૂમ મચી જઈ
બાયણઆં ણ જોર કરી થેલઅ લોકો
પણ બાયણઉ તો બંધ-અવઅ ખુલતુ અસે
લખડીના જીવતરનુ – બાયણઉ  થ્યુ બંધ
ટીનકીના જીવતરનુ- બાયણઉ થ્યુ બંધ
બંધ બાયણે ભડકા ભડકા
ટીનકીની તીણીતીણી ચીસ
લખડીની રાડ ઉપર રાડ
બ્હાર જાંમ્યો છ સોર
અલ્યા બાયણઉ તોડો-કરો જોર..
તૂટ્યુ બાયણઉ મૈ પેહી જ્યુ લોક
જોયુ લખડી હળગઅ જોયુ ટીનકી હળગઅ
કોક લાયુ ખાટલા પરથી ગોદડા
કોઈએ કાઢ્યા ડામચિયેથી ગોદડા
ભડથા ઉપર બે ય ભડથા ઉપર
લોક પાંમી જ્યુ ત્રાસ
લોક પાંમી જ્યુ ત્રાસ
કોઈ બોલ્યુ-લ્યા પાંણી પિવડાવો
પેલી લખડીનઅ પાંણી પિવડાવો
છોડી બચારી તો મરી જઈ છઅ
અજુ રાંડમઅ છ જીવ
રાંડ ભાંનમ્અ અજુ
ઈનઅ લોટો ભરીનઅ એક
પાંણી પિવડાવો ‘
લોટો ભરીનઅ પાંણી આયુ
લખડીએ ના પીધુ
પિવડાવવા બ્ઉ જોર કર્યુ
પણ લખડીએ ના પીધુ
કોઈએ ટાંકી પ્રાયમસની તોડી
એક જણો બન્યો મેં’માંન
રકાબીઓ તઈણ-ચાર જમીન ઉપર મૂકી
હાંણસી હોધીનઅ પ્રાયમસ જોડે મૂકી
કરવા માંડ્યુ નાટક
ચેવું કરવા માંડ્યુ નાટક
બધ્ધુ ગોઠવી દીધુ
ધોળી મોટર આઈ ...ધોળી મોટર આઈ
ભઈ એમ્બૂલન્સ્  આઈ
લખડીનઅ દવાખાને લીધી
ટીનકી નઅ દવાખાને લીધી
દવાખાનામઅ કેસ નોંધાયો
પોલીસ બેઠી લખવા
ભઈ એક્સીડન્ટનો કેસ છઅ આ તો
મુરબ્બી એક લખાવઅ
‘અકસ્માતનો કેસ છ આ તો
પ્રાયમસ હળગાવવા જતઅ
ટાંકી કેરોસીનની તૂટી જોડે ટીનકી રમતી’તી
કાંમ્ લખાડી કરતી’તી
એ બે યે ઊભા માંડ્યા લાગવા
જોડે ગોદડા હળગ્યા
ભેગુ થ્યુ બધ્ધુ યે લોક
બચાવવા બ્ઉ કોસીસ કરી
પણ તો ય છોડી તો ત્યાં ન્અ ત્યાં
ખલાસ થઈ જઈ
વઉમ્અ અજુ છઅ જીવ
બે ય નઅ ઉઠાઈ આંય દવાખાને લાયા’
આયા મોટા જમાદાર
ઇનઅ નોટો ખવડાઈ
બોલસો ચાલસો ના કાંય
કેસ છઅ એક્સીડન્ટનો આ તો
પેણ લખડીનુ દુઃખ
લખડી કણસ્યા કરઅ
થોડી થોડી વારે ઉંકારા કરઅ
ઇનઅ ભાંનમઅ આવવાની વાટ જોઈ
ડોક્ટર-જમાદાર બે યે બેઠા
ઇની સારવાર ચાલઅ
આયુ ઈનઅ થોડુ ભાંન
ઇને જુબાની હાચી લખાઈ
‘મારી હાહુ ક્જાળ
મારો ઘરવાળો હાવ જ માવડિયો
મારુ હાંભળઅ ના કાંય
ડોસી ડફ્લ્યા કરઅ
મેં તો બઉ દા’ડા બોલીઓ હાંભળી
મેં તો બઉ દા’ડા ખાધા કરી માર
પણ રવાયુ નૈ
મારા હાથે ઘાસલેટ છાંટી હળગી
જોડે ટીનકીનઅ યે મેં લગાડી
મારી હાહુ નઅ ઘરવાળા
બે ય નઅ કરાવો જેલ
ઘાંણઈએ  ઘાલીનઅ કઢાવો તેલ...’
બીજા દા’ડઅ છાપામઅ ચાંક અંદરના પાને
કોક ખૂણામ્અ આયા હમાચાર
‘તૂટ્યો પ્રાઈમસ ને સળગ્યા મા-દીકરી’
લખડી તો તડપી તડપીનઅ મરી
લખડી તો બઉ ભૂંડા મોતે મરી
લખડી તપ બઉ બૂમાબૂમ કરતી મરી
લખડી બરાડા બ્ઉ પાડતી મરી
દોઢ દા’ડા હુદી ત્રાસ વેઠ્યો ઇને
દોઢ દા’દે લખડી તડપી તડપીનઅ મરી
લખડી તો બ્ઉ  ભૂંડા મોતે મરી
બીજા દા’ડઅ  પિયરિયા આયા ઇના
ત્યાં હુદી તોઇની જુબાંનીનો જયો કાગળ પલટઈ
ઇની જુબાંનીનુ જ્યુ કાગળ ફરી
ભઈ પઈસાનુ કાંમ્
પઇસો જોઈનઅ તો મુનિવર ફરઅ
પઇસો જોઈનઅ તો મોટા મા’તમા ફરઅ
પઈસા પાછળ આખી દુનિયા ગાંડી
ઈમઅ લખડીની જુબાંની હું
લખડીની જુબાંની
વ્હેલી હવારમઅ પડેલો ઠાર
ઝાકળનુ ટેપું
પાંણીની ઉપર પાડેલા અક્ષર્
સાઈકલમ્અ પડઅ પંચર નઅ
નેહરી જતી હવા
હવામ વાત ચાંક થાય
ઈનો બાપો હાંભળઅ
લખડી તો દુઃખથી ત્રાસી બળી
ઇના બાપાના ફૂંક્યા કોઈએ કાંન
લખડી કંકાહથી  કાન્ટાળી કેરોસીન છાંટી મરી
ઈનો બાપો તો ક્રોધે ભરાંણો
બેન્ચોદનઅ એક ય ન નૈ છોડુ
એ તો ઊભો ઊભો હળગઅ ‘
રાતો પીળો થઈન્અ હળગઅ
રાતો પીળો થઇન્અ હળગઅ
આયો દવાખાંને પણ ....
આગ ચાંક લાગઅ નઅ
લાયબંબાવાળાઓ હાજર થઈ જાય ઈમ
હાજર થઇ જાય ઈમ
હાજર થઈ જેલા પંચાતિયા
જંગલમ્અ પ્રાણી કોઈ મરન્અ
વગર બોલાયા તૂટી પડઅ ગીધડા
એવા તૂટેલા પંચાતિયા
ઈમના નાક તો કૂતરાના નાકથી ય તેજ
સ્હેજ ગંધ આવઅ નઅ
હાજર થઇ જાય એક હાંમટા
દહ ગઉના છેટેથી દેખાય કસુક
હાજર થઇ જાય એકહાંમટા
આંટકાંટીયા બ્ઉ આ પંચાતિયા
હાચાન્અ જુઠુ ન્અ જુઠાન્અ હાચુ
બનાવઅ પંચાતિયા
ધારઅ તો હીજડા પઈનઆંવ્ પંચાતિયા
ખાય ઈનુ બોલઅ પંચાતિયા
હાચઝૂઠ બે ય એક દાંડાથી તોલઅ પંચાતિયા
પાઘડીના આંટા તો હું
એથી યે વધારઅ આંટાળા પંચાતિયા
ઈમના આંટામ ફસાંણો લખડીણો બાપ
અલ્યા અમથા  ભઈ ધેમો થા બાપલા
જરા ઠંડા મગસથી વિચાર
તારી છોડી તો જઈ
અવઅ પાછી થોડી એ આવવાની
મા-દીકરા બેઉન્અ તુ કરાવઅ જેલ
એથી છોડી તારી પાછી થોડી આવવાને
આ તો કે’વાય સંસાર ચાર દનનો સંસાર
કોઈ વ્હેલુ કોઈ મોડુ કોઈ ટાઢથી કઅ તાવથી
એક્સીડન્ટથી ક કોઈ  હાથે કરીનઅ
જેનુ જે બ્હાંને લખ્યુ હોય મોત
એ જ બ્હાંન્અ છઅ ઇનઅ જવાનુ
આપળે હું કરવાના ભઈ
બેઠો અજાર હાથવાળો
ઇની ઈચ્છા વનઅ તો
પાંદડુ ય અલી હકઅ નૈ
અમથા
હું ક્લાસ છઅ આપળા
મારઅ બધ્ધાન્અ
એ જ તારઅ બધ્ધા ન્અ
આપળે વળી કોઈનઅ મારનારા કુણ
કોઈનઅ તારનારા વળી આપળે તો કુણ
જેના અસે કરમો જેવા
એવા ફળ ઇનઅ મળવાના
હઉ હઉના ભારે મરવાના
મારવા ન્અ મારવાની વાતો તુ છોડ
નહી કસી ય મજા
અમથા તુ આટલાથી વાત વાળી ભર
હેંડ તારી વેવાંણનઅ દબાઈન
કઈસુ બે વાત
તારી દીકરીની વાંહે એ કરસે પુન દાન
                       કરસે ધર્માદુ
તારી છોડીનો જીવ ટાઢો થાય
ભઈ જનારુ જ્યુ ,
અવઅ પાછુ તો આવવાનુ નૈ
ગમ્અ ઈમ કર કાંય વળવાનુ નૈ
અવઅ જનારા જીવની ગતિનુ વિચાર
જનારા જીવની શાંતિનુ વિચાર
ઇના વાંહે કરાઈસુ પુનદાન
તારી વેવાંણ જોડેથી
લઈસુ લ્યા દોઢ બે અજાર
કરાઈસુ ધર્માંદુ
ઈનુ બેહડાઈસુ સપ્તાહ
ભઈ વાળી ભર વાત
નૈ માંનઅ તો અમે હ છીએ આગળ
તારા છોકરા અજુ બે કુંવારા
જોઈએ  ઈમનઅ કન્યાઓ કુણ આલસે
જોઈએ દોયડી ચયો હાહરો બાંધસે
અમે ઊભા આગળ નઅ આગળ
અલ્યા અમથા તુ માંની જા વાત
ભડ ભડ બળતી ચિતા લખડીની ભઈ
ટાઢી ધીરે ધીરે પડવા માંડી
ચિતા ઠરવા માંડી રાખ ઠરવા માંડી
ચિતા ટાઢી કરીનઅ હાડકા થોડા
નાખ્યા લોટામ્અ 
પધરાવવા રેવાજીમ્અ-સરસ્વતીમ્અ
હરાવવા રેવાજીમઅ-સારસ્વતીમઅ
બધા ઘેર આયા
ચાંય લખડી જોવા મળઅ નૈ
ભડ ભડ બળેલી પેલી
લખડી જોવા મળઅ નૈ
ત્રાસ આલી બળી મરવા
મજબૂર કરેલી એક અબળા જોવાં મળઅ નૈ
ધર્માદા થાય ઈમઅ લખડી જોવા મળઅ નૈ
ભજનના તાલમઅ  લખડી જોવા મળઅ નૈ
મંજીરા તંબૂરા વાગ્યા કરઅ ઈમઅ
                      લખડી જોવા મળઅ નૈ
રાંમાયણ મ્હાભારત વંચાતા જાય ઈમઅ
                      લખડી જોવાં મળઅ નૈ
અલ્યા રઘલા
તુ પૂછે હું થઈ જ્યુ આ
આ તો કસ્સુ ય નહી થ્યુ રઘલા
એક રકાબી ફૂટી લ્યા રઘલા
બસ એક રકાબી ફૂટી
આ તો એક રકાબી ફૂટી