સુગરીના માળાનેજેમ
તિતરબિતર કરી નાખે છે
કૂદકો લગાવીને
વાનરબસ એમ જ
અર્થવ્યવસ્થાની આંધી
હચમચાવી નાખે છે ક્યારેક
આપણા
કાળજીપૂર્વક બિછાવાયેલા
બિસ્તરને.
બિસ્તરની સાથેસાથે
આપણા શરીરમાં પણ
પડી જાય છે કરચલીઓ પર કરચલીઓ
અને
વાઘરી ડૂંગું સળગાવે
ને ઊડી જાય મધમાખીઓ
એમ જ
મધ જાળવવા તત્પર
આપણા શરીરમાંથી
લીલીલીલી માખો
થઇ જાય છે રફૂચક્કર.
રહી જાય છે
અરીસાની
પાછલી બાજુ જેવા
આપણા ચહેરા
સપાટઅને અપારદર્શક.
એકરૂપ થઇ જાય છે એમાં
અકળાવનારો અતીત
અને
રૂંધાતું ભવિષ્ય...