Sunday, June 15, 2014

રોજ પ્હો ફાટે છે



રોજ પ્હો ફાટે છેને હું પથારીમાં
ટુકડા ટુકડા થઇ પડેલા મારાં અંગોને
એસેમ્બલ કરી આદરું છું કૂચ.
પ્રભાતનું પહેલું કિરણ
દરેક વખતે મારાં પર તૂટી પાડવા
હોય છે તૈયાર.
એનાથી છેદાતો,વીંધાતો, લોહીઝાણ તો ય
ચાલુ રાખું છું મારી સફર.
કેમકે મને ખબર છે કે
દરેક દિવસ અહિયાં
એક જબરદસ્ત મુકાબલો છે.
બપોરની હવા
ભારેખમ ઘણની જેમ
પછડાય છે મારાં ખભા પર
ને આ મહાનગરની ભીડમાંથી       
સાંજે હું તારવી લઉં છું
મારી જાતને અલગ.
માણસ હોવાના પર્યાયો
મને સમજાય છે પૂરેપૂરા
ને તોય
મારી જેમ
વેરવિખેર થયેલા આ માણસો
મને માણસ તરીકે સ્વીકારતા નથી
ત્યારે મને થાય છે કે
હું દિનાન્તે
પથારીમાં વેરવિખેર થઇ જતાં
મારાં અંગોને
એસેમ્બલ તો નહીં જ કરુંને તોય
રોજ પ્હો ફાટે છે
ને હું...

(‘કવિલોક’)

No comments:

Post a Comment