Monday, June 16, 2014

હાથવગું સપનું



પ્રિય,
તું તો મારું સપનું છે
હાથવગું સપનું
મારું સાચુકલું સપનું.
હા,
મારી દીકરીના ચહેરામાં તું.
મારી આંખોમાં ઊતરતી જતી તું
ધીરેધીરે
આંખને રંગાતી જતી
તારા ચોટલાના બ્રશને સહારે
અથવા
એકદમ આંધીની જેમ
છવાઈ જતી તું,
પ્રસરતી જતી
મારી રગરગમાં
તારી જુસ્સાદાર ભ્રમરો
સંકોચાતી સંકોચાતી
અથવા મારી ભુજાઓમાં
શાંતિથી ઝૂલ્યે જતી
ને હાલરડું
સાંભળ્યે જતી તું.

અથવા તો
મારી પત્નીના ચહેરામાં તું
ગોટેગોટા ધુમાડાથી
ગભરાતી
અને એ રીતે જ
ગભરાઈને ફાંફે ચઢેલા મને
દોર્યે જતી
પછવાડે પછવાડે તારી
એક અજાણ્યા શહેર ભણી
જેની ગલીઓ છે સાવ જ અજાણી
ને જેના વળાંકો છે બહુ જોખમી ,ભયાનક

અથવા તો મારી માતાના ચહેરામાં તું
હાંફ ભરી,
થાકેલી , સાવ ચૂર ચૂર
ને તોય
પળ પળ ઝઝૂમતી,
મુકાબલા સમી જિંદગી સામે
ને પ્રેરતી જતી મને
આંધીની સામે
બાથ ભીડી દેવા
અથવા તો
પહાડને ટોકરા કે બેડાની જેમ
ખભે ઉપાડવા.

અથવા તો
તારાં ચહેરાને
જાણે કોઈ
ચહેરો જ નથી
બસ તું તો છે
સતત ખૂલતી જતી પગદંડી
જેની દિશા છે એક જ – ઊર્ધ્વ
અથવા તો
તારો ચહેરો જ સર્વવ્યાપક છે
મારાં ચહેરા જેવો –
કવિના મુખવટા જેવો
જે દેખાય છે સર્વત્ર
ને છતાય કદાચ
એ ન હોય ખરેખર.
ગમે તેમ હોય,
પણ હું તો તને કહીશ,
સાચુકલું સપનું,
પ્રિય,
તું તો મારું સપનું છે,
મારું હાથવગું સપનું.


No comments:

Post a Comment