Sunday, June 15, 2014

સંગાથ



પાથરણા પેટે ફૂટપાથ,મારા વ્હાલમા,
આપણો  તો આવો સંગાથ.

સળઓથી નૈ તડકા-છાંયડાથી સાવરણા
બંધાતા ગૂંથાતા જાય ,
સૌનાં આંગણ તારી નિર્મળ બે આંખ સમાં
ચોખ્ખાં ચણાક થતાં જાય.
આપણું જ ઘર મેલાં ટાટ, મારાં વ્હાલમા;
માખોની બણબણતી ભાત!
પાથરણા પેટે ફૂટપાથ,મારા વ્હાલમા,
આપણો  તો આવો સંગાથ.

લારીનાં પૈડાં ઘસાય એમ જીવતરનો
એકએક આંકો ભૂંસાય,
ટાઢીટમ્મ  ધરતીમાં મ્હાલે બધા ને એક
આપણે જ સહેવાની લ્હાય?
ઓઢવાને ખુલ્લું આકાશ,મારાં વ્હાલમા,
પહેરવાની થરથરતી રાત,
પાથરણા પેટે ફૂટપાથ,મારા વ્હાલમા,
આપણો  તો આવો સંગાથ.

થાકેલા વ્હાલમાના થાકેલા હૈયાને
હળવા તે હાથે પંપાળું ,
ફૂટપાથે સૂતેલા આમ કોઈ જુએ ભલે
સીધું જુએ કે જુએ આડું.

જંપે બળબળતી મધરાત,  મારા વ્હાલમા,
અંગ અંગ ઊતરે પરભાત,
પાથરણા પેટે ફૂટપાથ,મારા વ્હાલમા,
આપણો  તો આવો સંગાથ.

તા.૨૫.૫.૧૯૮૬

મધ્યરાત્રિ વેળા ફૂટપાથ પર સૂતેલા શ્રમજીવી યુગલને જોઈએ સ્ફૂરેલી કવિતા. સ્ત્રી સાવરણા –ઝાડું બનાવવાનું કામ કરતી હતી.બાજુમાં હાથલારી પડી હતી.પુરુષ કદાચ હાથલારી ખેંચતો હશે.


૧.ટાટ= કંતાન,કંતાનના ટુકડા 

No comments:

Post a Comment