Monday, June 16, 2014

તને ય દેખાશે


જ્યારે તું ને હું
હોઈશું સમાન ભૂમિકાએ
તનમનની
ત્યારે જ
તને દઈશ હું
એક ચુંબન
અને મારી આંખો વડે
તાકીને તારી આંખોમાં
ઉતારી દઈશ એક કાળો સૂર્ય
એનું એકાદીં કિરણ પણ
પહોંચશે તારાં મન સુધી
તો તને દેખાશે
સ્વપ્ન
સ્વપ્નમાં
લથડિયાં ખાતો
ને ગાળો બકતો
શાપિત માણસ
કતલ થતો કૂકડો
ને હલાલ થતો બકરો.
મૂઈ ભેંસના મસ મોટા ડોળા
ફાટેલા ચણિયાની ફાડમાંથી
દેખાતી છોકરીની જાંઘ
ગંદી પરી જેવાં ચહેરાવાળી
નાની ભિખારણનાં હાથમાં
ગોબાયેલો ઝરમણનો વાડકો .
છેલ્લા ઘરમાં
ગુસપુસ કર્યાં પછી થતી
પુરુષોની આવજા.
પહેલાં ઘરે
ઝનૂનપૂર્વક
જટિયાં પકડીને એકમેકનાં
લડતી બે સ્ત્રીઓ
થોડીવાર પછી
જોતી એકબીજીના
માથામાં જૂ
ને પેલી
છેલ્લા ઘરવાળી
સ્ત્રી સાથે
કરતી વાતો
ને ગલ્લા પર
જામી પડેલા
ઝઘડાનો શોરબકોર
જીવતાજાગતા સ્વપ્નમાં
બધું જ આ
તનેય દેખાશે,
જો તારી આંખોમાં
એકાદ પણ કિરણ
ઊતરશે કાળા સૂર્યનું.

No comments:

Post a Comment