તું જ
મારી જાન્ઘોમાં
ઉબાડા ચાંપતો રહ્યો
ને પછી
મને નરકની ખાણ કહી.
હા,તું જ.
તને હું બરોબર ઓળખી ચૂકી
છું.
‘ યત્ર નાર્યસ્તુ ‘ ની
ઘસાયેલી ચીચુડીયા કેસેટ
વગાડતાં વગાડતાં
તું જ મારી છાતીનાં ધાવણ
તારા બરછટ હાથ વડે
નીચોવતો રહ્યો છે,
હા,તું જ .હરામખોર,
હું તને બરોબર ઓળખી ચૂકી
છું.
મારા પગની પાની જોઈને ય
લચકો ખાવા વિહવળ
ગરજવાન પાડા જેવી તારી
બુદ્ધિએ
મને બુદ્ધિહીન જાહેર કરી,
પણ....
તારી બુદ્ધિ તો મારાં
પગની પાનીએ છે.
બુદ્ધિના બારદાન,
હું તને બરોબર ઓળખી ચૂકી
છું.
હશે તારે ય હૃદય જેવું
પણ એમાં લાગણીનાં
લીલાંછમ્મ ઝાડવાના ઝુંડ તો
નહીં જ હોય
એટલે જ તો
ન જુએ તું થાક કે ઊંઘ,
તાવ કે ઘાવ,
લેતો રહે બસ ક્રીડાના જ
લ્હાવ.
પિશાચી પથ્થર.
હું તને બરોબર ઓળખી ચૂકી
છું.
તેં જ કાતરીને મારી પાંખો
છીનવી લીધું આખ્ખું આભ
ને પછી
મને અબળાની ગાળ દીધી.
માટીપગા,
હું તને બરોબર ઓળખી ચૂકી
છું.
ચૂલાની ધૂણીમાં ગુંગળાતા
ચાર દીવાલો ભેદીને
માંડ માંડ બહાર નીકળેલા
મારા શ્વાસને ય
તું તોલે છે કલદારથી
સ્વાતંત્ર્યની ભ્રમણાથી
રોમાંચિત એ શ્વાસને કેદ
કરી
તું ફિલ્માવે છે ટી.વી.
પર,થીયેટરમાં
શો રૂમમાં અને પરસેવાથી
ગંધાતી
તારી બગલ જેવી સાંકડી
ગલીઓમાં.
તું દશની પત્તીના બદલામાં
ચૂંથે છે
એ મારું શરીર નથી,
મારી સુક્કી આંખોનાં
ભીનાં ભીનાં સપનાં છે.
સોદાબાજ સુવ્વર,
હું તને બરોબર ઓળખી ચૂકી
છું.
સાગરના હિલ્લોળાતાં
મોજાંના ઉમંગ જેવું
હું ઉછળતી રહી,
માથું ઝીંકતી રહી
ને ફના થતી રહી
પણ તું તો ખડક કાળમીંઢ
અહંનો
પીગળ્યો જ નહીં,
પીગળ્યો જ નહીં,
પણ હવે મારે તને પીગાળવો
નથી.
મારી નસનસમાં ઊછળી રહેલા
લાલ લાલ લોહીની
થપાટો ઉપર થપાટો,
થપાટો ઉપર થપાટો,
થપાટો ઉપર થપાટો,
થપાટો ઉપર થપાટો ઝીંકીને
બોલાવવા છે ભુક્કા
ચૂરેચૂરા કરવા છે એ
ખડકોના
જે તેં સદીઓથી
તારી છાતીમાં ઉગાડ્યા છે
નીચ,અધમ,દૂધહરામ
હવે હું તને બરોબ્બર ઓળખી
ચૂકી છું.
No comments:
Post a Comment