મારા રાતા ઉજાગરામાં
લીલી લીલી કુંપળો
ફૂટી નીકળી છે,પ્રિય
જે ઘડીથી તું પ્રવેશી છે
મારા વેરાન અવાવરુ ઘરમાં.
જમણા પિલ્લરની
ધાર પર બેસી
ગોબાયેલા ધુણીયા તરફ
નજર તાકી
હસ્યા કરતું ઘુવડ
ઉડી ગયું છે ક્યાંક દૂર
અને
ડાબા હાથ તરફની
દીવાલને થયેલું ખરજવું
અટક્યું છે,
મટવા માંડ્યું છે
ને ખર્યા કરતી રેતીની
સમસ્યા
હવે નથી પજવતી મને.
ધુમાડાથી કાળી પડી ગયેલી
છત
ચમકી ઉઠી છે
તૃપ્ત થયેલી
બિલાડીની આંખ સમું.
હવે અગાશીમાંથી
માત્ર ચંદ્રનાં કિરણો જ
નથી આવતાં
પણ સાથે સાથે આવે છે
ઝાડનાં પાંદડાંના પડછાયા,
કેટલાક એકલા ઝૂમ્યા કરતા
ને કેટલાક
એકમેકમાં પરોવાઈ
નાચ્યા કરતા
ઊજળા પ્રભાતનાં ગાન લઇ.
No comments:
Post a Comment