એક દિવસ
મૈસુર કાફેમાં
બેઠાં બેઠાં
ચાના કપમાં
ઉભયને ઓગળીને
ચુસ્કીઓ દ્વારા
પામવા મથતાં એકમેકને
ચર્ચા કરતાં હતાં આપણે
સમાજ,પ્રવૃત્તિ,પ્રતિબદ્ધતા
હિંસા,ક્રાન્તિ અને
પરમ-કરુણાની
ત્યારે તમે મને કહ્યું
હતું ;
‘સાહિલ,
તમે કુદરતને નિહાળો
નદીના નીરમાં ઝબોળો પાની;
સ્પર્શો માછલીઓના
તરફડાટને,
તરવરાટને,ચપળતાને;
સાંભળો બાળકોનાં હાસ્ય
અને બેબસોનાં આંસુને
સમજો વાદળીના વહેણને
અને મોરના ટહુકારને;
દેખો કુતરાઓનાં
ગામપરસ્ત ભાસ્યને
અને શિયાળવાંની
સીમપરસ્ત લાળીને;
ધ્યાનથી સ્પર્શો
સપ્તર્ષિના ચકરાવાને
અને ધ્રુવની અચળતાને ...
એ ઘડીના
તમારા એ
સાહેબપણામાંથી
પ્રગટેલી શીખની
બેઝિઝક બાંગની સુરાવલીની
વંદના કરું છું ત્યારે
ત્યારે
પામી શકું છું
તમારા થકી
તેના સ્વરૂપે
મને.
બસ એટલી ઘડી
થઇ જાય છે
વર્ણ,વર્ગ,જાતિ,લિંગ
બધું
એકાકાર,એકરાગ,એક્તાન.
સાચે જ ,
‘પોથી પઢી પઢી જગ મુઆ,
પંડિત ભાયા ન કોઈ
ઢાઈ અચ્છર પ્રેમકે
પઢે સો પંડિત હોઈ.’
No comments:
Post a Comment