Friday, December 12, 2014

એલિટની સેન્ડવીચ





એક વૃક્ષથી કપાઈ જઈને
બીજા વૃક્ષ પર કલમ થયેલી
ડાળી જેવો ઝૂલ્યા કરું છું... ઝૂલ્યા કરું છું
ધુમ્મસ ધુમ્મસ ચારે કોર
ધુમ્મસ વચ્ચે ભૂલ્યા કરું છું ...ભૂલ્યા કરું છું
દૂર દૂરની ઝુન્પડપટ્ટી
વચ્ચે એક દીવાલને ટેકે
પીઠ અઢેલી ઝાંખાપાંખા
ફાનસના અજવાળે થોથાં
નાનાં મોટ્ટા ઉથલાવ્યા’તાં
ડખળ વખળ ચરખો ફેરવતાં
પાનાંઓ કંઈ પાળતાવ્યા’તા
ઠંડીની રાતે રબ્બરનાં ટાયર બાળી
વાતોનાં કંઈ ખડકલાઓ સળગાવ્યા’તા
ધૂળમાં ખેલ્યા મારદડી ને
ગિલ્લીદંડા ખખડાવ્યા’તા
જેની સાથે
એ જ ભેરુઓ
સાં વામણા આજે લાગે
જોજન જોજન છેટાં થઇ ગ્યા
ચાલીના નાકા પર ટોળા
વચ્ચે આજ નથી હોતો હું
રાણીપવાળા બંગલાના એ
રીડીંગરૂમમાં
તોલ્સ્તોય ને દોસ્તોવસ્કી
કાર્લ માર્કસ ને લેનિન સઘળા
મારી ફરતે આંટા મારે
કોસ દી’ જાઉં ચાલીમાં તો
રૂઆબ પડતો
સલામ ચારે કોરથી મળતી
પૂંઠ પાછળ સહુ કહેતા   જો ને
સાલાઓને દલિત કહેવા ક્યાંથી
શો અધિકાર છે આ લોકોને
દલિતની વાતો કરવાનો
આ તો સાલ્લા
મોટા બંગલાવાળા થઇ ગ્યા
મોટ્ટી કારોવાળા થઇ ગ્યા
લટક મટકતી ચાલ ચાલતી
દક્ષિણી પ્હેરીને મ્હાલતી
બૈરીના ઘરવાળા થઇ ગ્યા
વણકરમાંથી વખારિયા ને
કોક વળી સુતરિયા થઇ ગ્યા
ચમારમાંથી ચક્રવર્તી ને
અમીન શ્રોફ ને બેન્કર થઇ ગ્યા
તુરીમાંથી તીરકર થઇ ગ્યા
આય નથી ઓછા બેટમજી
ગણપતમાંથી સાહિલ થઇ ગ્યા
નફ્ફટ પાછા
દલિત પ્રશ્ન પર
ભસ્યા કરે છે
નવલકથાઓ લખ્યા કરે છે
કવિ બનીને
નારાબાજી કર્યાં કરે છે
મુંબઈ જઈને ફર્યાં કરે છે
મીઠાઈમેવા ચર્યા કરે છે
આ તો જાડી ચામડીવાળા
જરૂર પડ્યે
આંસુ મગ્ગરને ધીરનારા આ
ખૂટલ સાલા .....
હેરત ને દુઃખ
બેઉ સામટા ભેટી પડતાં
પેલ્લી બાજુ
પટેલ પંડ્યો સોની મહેતો
એકમેકને ઘરે નિમંત્રે
મને નિમંત્રણ લુખ્ખું લુખ્ખું લુખ્ખું
ના આવે તો સારું
મનમાં એવું
ગમે એટલો સુધર્યો તો યે
ઢેડ આખરે
એને તો કંઈ ઘેર લવાય
ઓફિસમાં કૌમુદી રીટા
રાધા ગૌરી વીણા કેતકી
બધી દૂર ને દૂર જ રહેતી
એક તો એમાં ધંધાવાળી
સોની સાવ જ બુડથલ
મહેતો મરિયલ તો યે
લળી લળીને વાતો કરતી
હસી હસીને આંખ મારતી
ડબલ ભાવની ઓફર મારી
તો ય વિચારે
ઢેડાની તો હેઠ પડાય જ કેમ
વ્યભિચાર પણ ઊંચોનીચો
વાહ
મનિયા તારી માયા
કરસનીયા કામણ તારું છે
હજી ય અકબંધ
ક્યાંય ઉમળકો
મળે ન જોવા
સુધર્યા તો આ કહેવાના કે
આ તો સાલા દલિત નહીં
ના સુધર્યા તો પેલા કહેશે
ઢેડા સાલા સુધર્યા નહીં
સુધર્યા વિના તો ચાલે નહીં  ને
સુધર્યા તો યે જાકારો
અવગણના અપમાન જ
બેઉ તરફથી મળતાં
ક્યાંય છે આરો
અહીં તહીં બસ અફળાવાનું
બેની વચ્ચે પીસાવાનું
આગળ કૂવો પાછળ આગ
વચ્ચે આંધળું ભાગંભાગ
પણ ક્યાં
ખબર છે કોને

No comments:

Post a Comment