હજી રસ્તો લાંબો- વિકટ વનમાંથી ગુજરવું,
વળી ખાંગો થઈને વરસભરનો મેહ વરસે ,
ભલે મૃત્યુ આવે,અડગ મનથી આગળ જવું.
સહારો તારો છે,પ્રિય વિઘન ઝાઝાં ણ કઠશે.
અમે આરંભ્યું છે,સરળ સુથરા માર્ગ કરવા,
બધા કાંટાઝાડી,બિહડ,લઇ કોદાળી-ત્રિકમો
વહાવીશું લોહી નડતર બધાં દૂર કરવા
બધા ખાડા ઢાંકી કરશું સરળ,રાહ વસમો.
પડેલાં જખ્મો છે અમ જિગરપે યુગયુગથી
બધી રીતે રાખ્યા,છળકપટથી પાછળ સદા,
સહ્યાં ઉપેક્ષા ને અપવચન કંઈ યે ગણ્યું નથી,
હવે મંડ્યા છીએ,હરવા નવપેઢીની વિપદા.
નવી પેઢીની આ પથ પર સવારી નીકળશે,
અને એની આભા સકળ જગમાંહી પ્રસરશે.
No comments:
Post a Comment