Monday, November 24, 2014

આઝાદ દેશના ગુલામોનું ગાણું



આઝાદી આવી તો એને રંગી કાળા કુચડે
કાગળમાં આપીને બાંધ્યું ગધાડાનાં પૂછડે
લાતમલાત કરે ગધ્ધાઓ લાભો ક્યાંથી લઈએ રે
છાપામાં એ જોશથી ભૂંકે કોને જઈને કહીએ રે

આઝાદીની રૂડી મોજડી રે અમે પ્હેરી ના જાણી
           હાયે શેઠિયા હાયે હાયે હાય
આઝાદીની રૂડી પોતડી રે અમે પ્હેરી ના જાણી
           હાયે તાતા હાયે હાયે હાય

મુદ્દા ઉપર મુદ્દા આવે સરવાળે તો મીંડું રે
મુર્ગી બેઠી સેવે એ તો બાફેલું છે ઈંડું રે
પંચાયતનો પ્રમુખ પાડે મસમોટેરુ છીંડું રે
ઢેડના લમણે ઢેખાળા સરકારી ખાતું મીંડું રે

ગામના કૂવાએ અમે અળગા ઊભીને હજુ માંગીએ છીએ પાણી
            હાયે હિંદુ હાયે હાયે હાય
ઢોલ ને નગારે અમે પૈણવા ગયાં તો તમે તલવારો તાણી
             હાયે હિંદુ હાયે હાયે હાય
તલવારો ને બંદૂકોથી બની ગયા છે રાજા રે
તો ય અહિંસા શાંતિના અહીં હરદમ વાગે વાજાં રે
પેટને ચોંટી જળો બોલતી ખાવ ધરમના ખાજા રે
શહેરોમાં પણ બંધ કર્યાં છે મિલોના દરવાજા રે

ઝુંપડીમાં કરે લુંટાલૂટ ને મ્હેલોમાં ભરે દાણોપાણી
           હાયે શેઠિયા હાયે હાયે હાય
બિરલા તારી ય મિલો બંધ,  નાખી તેં ક્યાં તારી કમાણી
            હાયે બિરલા હાયે હાયે હાય

ચુંટણીની ઋતુમાં વરસે વચનોનો વરસાદ રે
ગાદી પર બેઠા કે તરત જ બની જતા એ બાપ રે
પાંચ વરસ એ મીંડામાંથી મીંડું કરતા બાદ રે
હજી ગુલામી કાયમ એનો માગે કોઈ હિસાબ રે
સાંકડ માંકડ ઝુંપડપટ્ટી જોડે ઉભા મ્હેલો રે
કિસકે બાપકા દેશ હૈ જિતના લે સકતે હો લે લો રે
કહીને બધ્ધું છીનવી દીધો આપણને હડસેલો રે
હવે બચેલા દેશને બધ્ધા બળદ બનીને ઠેલો રે
ખખડી ગયેલા દેશને બધ્ધા બળદ બનીને ઠેલો રે

ઇન્કલાબ




ઇન્કલાબ ઇન્કલાબ ઇન્કલાબ
સૌ ગરીબ સાથે બોલો ઇન્કલાબ
ઇન્કલાબ ઇન્કલાબ ઇન્કલાબ
સર્વહારા સાથે બોલો ઇન્કલાબ

એમનાં મકાનો બનાવ્યા આપણે
એમની ફેક્ટરીઓ બાંધી છે આપણે
ને બુલડોઝરની ફૂક્થી તૂટે છે ઝુંપડા
કાળું ધબ્બ આભ ને નોંધાણા આપણે
લગાઓ એક ફૂંક લાલ થાય આભ
સૌ ગરીબ સાથે બોલો ઇન્કલાબ


નદીઓ પર બંધો બાંધ્યા છે આપણે
ખોદ્યા તળાવ કૂવા વાવ ગાળ્યા આપણે
ફ્લેટમાં તો રાતદિન રેલછેલ છે
ને લેનમાં ઊભીને ઝઘડતા આપણે
ધખતા ગળાની તોપથી દઈ દો જવાબ 
સૌ ગરીબ સાથે બોલો ઇન્કલાબ

લીલેરા ધાન લણીએ ને પીળા આપણે
ભૂખ્યાડાંસ પેટ સાવ ફિક્કા આપણે
રે ચુંટણીબાજ સૌદાબાજ કારસા રચે
ને પાંચ પાંચ વર્ષે લુંટાતા આપણે
કે ફિક્કી આંખમાં ભરી દો લાલ ખ્વાબ
સૌ ગરીબ સાથે બોલો ઇન્કલાબ

જરૂરિયાત



એમના કેમેરાનો લેન્સ
તરડાયેલો છે.
મને બનાવીને ગુલામ
વિવિધ મુદ્રામાં પાડ્યા છે મારા ફોટા
એ લોકોએ
એ જ કેમેરા વડે.
એ ફોટાઓ એટલે શ્રુતિ અને સ્મૃતિ
ગીતા અને રામાયણ,
ચાલ્યા કરી છે આ જ પારાયણ
પણ હવે
હું
મારા જ  કેમેંરા વડે
પાડી શકું છું ફોટા
મારા અને એમના
છે એવા જ .
એટલે એ લોકો
 મચાવે છે બુમરાણ ;
અલગ કેમેરાની જરૂર નથી.
અલગ કેમેરાની જરૂર નથી.

દિશા





મા મારી ઓંખોમઅ ઓંહુંની ધાર
ઈમઅ  ભેળવું તેજાબ,ઇમઅ ભેળવું તેજાબ.
મારા બાપાના ભેજાનો રોષ
કદી નીકળ્યો ના બ્હાર,
ઇનઅ ઘોળી ઘોળી ઘોળીનઅ કરું તીખો તેજાબ,
કરી તીખો તેજાબ,
જીવજંતુ મચ્છરવાળા
રઘલાના ભેજામઅ  રેડું.

ઘસી ઘસીનઅ સાફ
ઇના ભેજાનઅ ધોઈ
ઇના ભેજાનુ દારદર ફેડું.
ઇનઅ રોટલાની લ્હ્યાય,મારઅ રોટલાની લ્હ્યાય
ઇનઅ રોટલાના રસ્તે ધકેલું.
મારા પગલાની હારે એ ય પગલુ મેલઅ નઅ
ઇના પગલા હારે પગલુ મેલું..