હીરા,
મને અફસોસ થાય છે કે
આપણે માણસ છીએ માણસ-
સાગરના તળિયે દબાયેલ મોટી જેવા
કે ધરાના તળિયે દટાયેલ
હીરા જેવાં માણસ
ને તોય
સૌથી તળિયે છીએ તેથી જ તો
આપણે તણખલાંના ટોળે નથી.
કાશ!
આપણે માણસ ન હોત
અને હોત ધતૂરાનાં ફૂલ
તો જરૂર વિકસી શક્યાં હોત
મુક્તપણે
પૂર્ણ યુવાનીમાં વિકસેલ
તારાં સુડોળ સ્તનો સમું
ને આકર્ષી શક્યાં હોત
આપણી શુભ્રતાથી
બાળક જેવા હૈયા વડે
નીરખનાર કાળી ભમ્મર કીકીઓને
કે પછી
માઈક્રોસ્કોપ વિના ય
શીખવી શક્યાં હોત
વિધાર્થીઓને
પ્રજનન શાસ્ત્રના પાઠ
ખળભળ્યા વિના
ચૂંથાયા વિના
સાવ સહજ રીતે
અને એમ કરીને
આપણી ઉલ્કા
સ્લેટ પર થૂંક્યા પછી
હાથ વડે ભૂંસી નાખે છે
અગાઉ લખેલા
પણ બિનજરૂરી બની ગયેલા
અક્ષરોને ,
બસ એમ જ
ભૂંસી નાખી શક્યાં હોત આપણે
એ લોકોના માનસમાંથી
વિરાટ પુરુષનો દેહ.
No comments:
Post a Comment