વાત છે
આ તો ક્ષણોની વાત છે
એ ક્ષણો કેવીરીતે વીતી હશે ?
એ ક્ષણો કે જેમને
એક સાથે સૂર્ય બબ્બે
દાઝતા દીઠા હશે
(એકને આકાશમાં ને
એકને ધરતી ઉપર)
એ ક્ષણો
કેટલું કકળી હશે?
એ ક્ષણો-
એ ક્ષણો કે જેમણે
રાજ્યના લશ્કર સચિવને
વૃક્ષ નીચે
(ઘરવિહોણો,સાવ હડધૂત-
વાંક કે ગુના વિના)
જે હાથ બંધારણને ઘડવાના હતા એ)
હાથને લમણે મૂકી ,
સાવ નાનાં બાળ પેઠે
ધ્રુસકે ને ધ્રુસકે
રોતો ને કકળી ઊઠતો જોયો હશે –
એ ક્ષણો પણ
ધ્રુસકે ને ધ્રુસકે હીબકી
હશે!
રે! કેટલું કકળી હશે!
એ ક્ષણોને કેટલો
વિષાદ વળગી ગ્યો હશે!
એ ક્ષણો
એ ક્ષણોમાં
શતયુગોની વેદના (ઠાંસી ભરેલી)
એક ધક્કે નીકળી (છાતી ચીરી)
ને પીડાતી કોમની
લાચાર લાખો આંખનાં
આંસુઓ એકાકાર થઈને
એક એની આંખથી છૂટ્યાં હશે!
એ ક્ષણોની વેદના
એ
વૃક્ષનાં પર્ણોને સ્પર્શી ગઈ હશે
ને એટલે
ધીરે ધીરે
એ
વૃક્ષનાં પર્ણો બધાંયે
હિંદવા
લેબાસ છોડી
બુદ્ધ
થઇ પ્રગટ્યાં હશે!
એ ક્ષણો
કેટલું કકળી હશે!
(નયા માર્ગ)
સૌજન્ય: માધવ રામાનુજની ગાંધીજીને અંજલિ આપતી કવિતા ‘એ ક્ષણોને કેટલું
વીત્યું હશે’ની સ્મૃતિ
નોંધ:ઈ.સ.૧૯૧૭માં ડો.આંબેડકરને મહારાજા સયાજીરાવ ગાયકવાડે મિલિટરી
સેક્રેટરી બનાવ્યા હતા. વડોદરામાં તેમને ભાડે રહેવા ઘર ન મળ્યું તે ન જ મળ્યું .એક
પારસીને ત્યાં જાતિ છૂપાવીને રહ્યા તો જાતીવાદી સવર્ણોએ ત્યાંથી પણ તેમને હાંકી
કાઢ્યા. અંતે નિરાશ, હતાશ બાબાસાહેબ એક વૃક્ષ નીચે
બેસીને ધ્રુસકે ને ધ્રુસકે
રડી પડ્યા એ ક્ષણની આ વાત છે.
ReplyDeleteપ્રિયતમના સ્મરણમાં એટલે કે પોતાના સાવ અંગત વિષાદમાંથી જન્મેલી પાબ્લો નેરૂદાની આ કવિતાપંક્તિ ' આજ રાત હું સૌથી વિષાદી પંક્તિઓ લખી શકું' વર્ષોથી યાદ રહી ગઈ છે, અને આજે પોતાના પ્રિય નાયકના સ્મરણમાં જે દીનદલિતદુખીયાનો તારણહાર રૂપે જાણીતો છે, એટલે કે નર્યા અંગત નહીં બલ્કે એ સૌના હૃદયના વિષાદમાંથી જન્મેલી દલિત કવિની આ રુદંનક્ષણોને વ્યક્ત કરતી પંક્તિઓ યાદ રહી જશે :
'એ ક્ષણો પણ
ધ્રુસકે ને ધ્રુસકે હીબકી હશે !
રે ! કેટલું કકળી હશે !
એ ક્ષણોને કેટલો
વિષાદ વળગી ગ્યો હશે ! '
*
એ ક્ષણોની વેદના
એ વૃક્ષનાં પર્ણોને સ્પર્શી ગઈ હશે
ને એટલે ધીરે ધીરે
એ વૃક્ષનાં પર્ણો બધાંયે
હિંદવા લેબાસ છોડી
બુદ્ધ થઇ પ્રગટ્યાં હશે !
એ ક્ષણો
કેટલું કકળી હશે ! '
ખૂબ સુંદર કોમેન્ટ્સ.આભાર નીરવભાઈ!
Delete