તેં સત્યાગ્રહ કર્યા
પણ કોઈની સામે
ત્રાગું
કરીને
એને
દુરાગ્રહમાં
પરિણમવા
નથી દીધા
એ તારી
મહાનતા છે બાબા.
માર
ખાતા ઢોરમાં
તેં
માણસ પ્રગટાવ્યો છે આજે
ને હવે
એ માણસ
હાથમાં
છરા લઈને ઊભેલા
હત્યારાઓને
કલમ વડે
માણસ
બનાવવા મથી રહ્યો છે ત્યારે
હે
સૂટધારી સંત
તારો
મહિમા
એનામાં
કરુણા બનીને પ્રગટો.
તેં
વંદનાઓ કરી
પણ
કોઈની સામે
શાકયપતિ
,યશોધરા ,ગૌતમ
કે
શુદ્ધોધનપુત્રની ધૂન મૂકીને
એને યાચનામાં
પરિણમવા
નથી દીધી
એ તારી
મહાનતા છે, બાબા .
સદીઓથી
બેહદ બોજ ઉપાડીને
ઝૂકી
ગયેલી ગુલામ કરોડરજ્જુમાં
આજે
તેં પ્રગટાવી
છે મક્કમતા
એને
તોડી પાડવાનો
એક પણ
મોકો ન જવા દેતા
બેઠાડુઓને
કર્મયોગ
શીખવવા કાજે
એ સ્થિર
થવા
માંથી
રહી છે ત્યારે
હે
સૂટધારી સંત
તારો
મહિમા
એનામાં
મુદિતા બનીને પ્રગટો.
ધમ્મપથ
પર ચાલતાં
તેં
કોઈનો
ખભો
પકડ્યો નથી
કે
બ્રહ્મચર્યના ટેસ્ટ ખાતર
તું સૂઈ
નથી ગયો કોઈની સાથે
એ તારી
મહાનતા છે, બાબા .
ઝાંઝરે
જેર કરેલા
પગમાં
તેં
પ્રગટાવી છે
ચાર
દીવાલો ઠેક્વાની
ગતિશીલતા
અને
બંગડીઓએ બાંધી રાખેલા
હાથમાં
તેં પ્રગટાવી છે
આઠ
આસમાન આંબવાની આકાંક્ષા
એને ફરી
કોટડીમાં પૂરવા તત્પર
હવ્વાખોરોની
હેવાનિયત સામે
એ ખળભળી
રહી છે ત્યારે
હે
સૂટધારી સંત
તારો
મહિમા
એનામાં
મૈત્રી
બનીને પ્રગટો.
ત્યાગનો
જયઘોષ કરવા
તેં
પોતડી નથી પહેરી
કે
સાબરના જળમાં
નથી
વહાવ્યો ખેસ
એ તારી
મહાનતા છે, બાબા .
માણસ
આજે
ચાઠીયામાં
પડેલા રૂપિયા ચાટવા
ઘુરકિયાં
કરતો
લવુંરિયા
ભરતો
કૂતરો
બન્યો છે ત્યારે
હે
સૂટધારી સંત
તારો
મહિમા
એનામાં ત્યાગ
બનીને પ્રગટો.
પીડાની
અણીને
ઉપવાસ
બનાવી
તેં પોતાની
સામે
તાકી
નથી
કે
ક્રોધની અણીને
બોમ્બ
બનાવી
તેં કોઈની
સામે નથી ઝીંકી
એ તારી
મહાનતા છે, બાબા.
આજે પીડાનો
પારાવાર
ઊમટ્યો છે
અને
ક્રોધનો
કોલાહલ વ્યાપ્યો છે ત્યારે
હે
સૂટધારી સંત
રોજેરોજ
કોઈને બાળ્યા કરતા
કે આત્મવિલોપનમાં
જાતે બળી મરતા
મનમાં
તારો મહિમા પ્રજ્ઞા બનીને પ્રગટો.
(‘વોઈસ
ઓફ ધ વીક’)
No comments:
Post a Comment