Sunday, April 14, 2013

રૂદનક્ષણો


















વાત છે
આ તો ક્ષણોની વાત છે
એ ક્ષણો કેવીરીતે વીતી હશે ?
એ ક્ષણો કે જેમને
એક સાથે સૂર્ય બબ્બે
દાઝતા દીઠા હશે
(એકને આકાશમાં ને
એકને ધરતી ઉપર)
એ ક્ષણો
કેટલું કકળી હશે?

એ ક્ષણો-
એ ક્ષણો કે જેમણે
રાજ્યના લશ્કર સચિવને
વૃક્ષ નીચે
(ઘરવિહોણો,સાવ હડધૂત-
વાંક કે ગુના વિના)
જે હાથ બંધારણને ઘડવાના હતા એ)
હાથને લમણે મૂકી ,
સાવ નાનાં બાળ પેઠે
ધ્રુસકે ને ધ્રુસકે
રોતો ને કકળી ઊઠતો જોયો હશે –
એ ક્ષણો પણ
ધ્રુસકે ને ધ્રુસકે  હીબકી હશે!
રે! કેટલું કકળી હશે!
એ ક્ષણોને કેટલો
વિષાદ વળગી ગ્યો હશે!

એ ક્ષણો
એ ક્ષણોમાં
શતયુગોની વેદના (ઠાંસી ભરેલી)
એક ધક્કે નીકળી (છાતી ચીરી)
ને પીડાતી કોમની
લાચાર લાખો આંખનાં
આંસુઓ એકાકાર થઈને
એક એની આંખથી છૂટ્યાં હશે!
એ ક્ષણોની વેદના
એ વૃક્ષનાં પર્ણોને સ્પર્શી ગઈ હશે
ને એટલે ધીરે ધીરે
એ વૃક્ષનાં પર્ણો બધાંયે
હિંદવા લેબાસ છોડી
બુદ્ધ થઇ પ્રગટ્યાં હશે!
એ ક્ષણો
કેટલું કકળી હશે!
(નયા માર્ગ)

સૌજન્ય: માધવ રામાનુજની ગાંધીજીને અંજલિ આપતી કવિતા ‘એ ક્ષણોને કેટલું વીત્યું હશે’ની સ્મૃતિ
નોંધ:ઈ.સ.૧૯૧૭માં ડો.આંબેડકરને મહારાજા સયાજીરાવ ગાયકવાડે મિલિટરી સેક્રેટરી બનાવ્યા હતા. વડોદરામાં તેમને ભાડે રહેવા ઘર ન મળ્યું તે ન જ મળ્યું .એક પારસીને ત્યાં જાતિ છૂપાવીને રહ્યા તો જાતીવાદી સવર્ણોએ ત્યાંથી પણ તેમને હાંકી કાઢ્યા. અંતે નિરાશ, હતાશ બાબાસાહેબ એક વૃક્ષ નીચે
બેસીને ધ્રુસકે ને ધ્રુસકે  રડી પડ્યા એ ક્ષણની આ વાત છે.

પ્રબુદ્ધ ચેતનાને

















તેં સત્યાગ્રહ કર્યા
પણ  કોઈની સામે
ત્રાગું કરીને
એને દુરાગ્રહમાં
પરિણમવા નથી દીધા
એ તારી મહાનતા છે બાબા.

માર ખાતા ઢોરમાં
તેં માણસ પ્રગટાવ્યો છે આજે
ને હવે એ માણસ
હાથમાં છરા લઈને ઊભેલા
હત્યારાઓને
કલમ વડે
માણસ બનાવવા મથી રહ્યો છે ત્યારે
હે સૂટધારી સંત
તારો મહિમા
એનામાં કરુણા બનીને પ્રગટો.

તેં વંદનાઓ કરી
પણ કોઈની સામે
શાકયપતિ ,યશોધરા ,ગૌતમ
કે શુદ્ધોધનપુત્રની ધૂન  મૂકીને
એને યાચનામાં
પરિણમવા નથી દીધી
એ તારી મહાનતા છે, બાબા .
સદીઓથી બેહદ બોજ ઉપાડીને
ઝૂકી ગયેલી ગુલામ કરોડરજ્જુમાં
આજે
તેં પ્રગટાવી છે મક્કમતા
એને તોડી પાડવાનો
એક પણ મોકો ન જવા દેતા
બેઠાડુઓને
કર્મયોગ શીખવવા કાજે
એ સ્થિર થવા
માંથી રહી છે ત્યારે
હે સૂટધારી સંત
તારો મહિમા
એનામાં મુદિતા બનીને પ્રગટો.

ધમ્મપથ પર ચાલતાં
તેં કોઈનો
ખભો પકડ્યો નથી
કે બ્રહ્મચર્યના ટેસ્ટ ખાતર
તું સૂઈ નથી ગયો કોઈની સાથે
એ તારી મહાનતા છે, બાબા .

ઝાંઝરે જેર કરેલા
પગમાં
તેં પ્રગટાવી છે
ચાર દીવાલો ઠેક્વાની
ગતિશીલતા
અને બંગડીઓએ બાંધી રાખેલા
હાથમાં તેં પ્રગટાવી છે
આઠ આસમાન આંબવાની આકાંક્ષા
એને ફરી કોટડીમાં પૂરવા તત્પર
હવ્વાખોરોની હેવાનિયત સામે
એ ખળભળી રહી છે ત્યારે
હે સૂટધારી સંત
તારો મહિમા
એનામાં
મૈત્રી બનીને પ્રગટો.

ત્યાગનો જયઘોષ કરવા
તેં પોતડી નથી પહેરી
કે સાબરના જળમાં
નથી વહાવ્યો ખેસ
એ તારી મહાનતા છે, બાબા .
માણસ આજે
ચાઠીયામાં પડેલા રૂપિયા ચાટવા
ઘુરકિયાં કરતો
લવુંરિયા ભરતો
કૂતરો બન્યો છે ત્યારે
હે સૂટધારી સંત
તારો મહિમા
એનામાં ત્યાગ બનીને પ્રગટો.

પીડાની અણીને
ઉપવાસ બનાવી
તેં પોતાની સામે
તાકી નથી
કે ક્રોધની અણીને
બોમ્બ બનાવી
તેં કોઈની સામે નથી ઝીંકી
એ તારી મહાનતા છે, બાબા.

આજે પીડાનો
પારાવાર ઊમટ્યો છે
અને
ક્રોધનો કોલાહલ વ્યાપ્યો છે ત્યારે
હે સૂટધારી સંત
રોજેરોજ કોઈને બાળ્યા કરતા
કે આત્મવિલોપનમાં જાતે બળી મરતા
મનમાં તારો મહિમા પ્રજ્ઞા બનીને પ્રગટો.

(‘વોઈસ ઓફ ધ વીક’)

નોંધ:તા,૭.૧૧.૧૯૯૦ના રોજ વી.પી.સિંહે એમનાં ઐતિહાસિક પ્રવચન પછી તેમની સરકારનું રાજીનામું આપ્યું તે પહેલાંના દિવસોમાં પછાત વર્ગોની અનામતના મંડળ પંચના અમલીકરણની વિરુદ્ધમાં બિનદલિત વિદ્યાર્થીઓએ કરેલાં આત્મવિલોપનના સમયગાળામાં મંદિર-માંડલ મુદ્દે ડહોળાયેલા સમયગાળામાં લખાયેલી છે આ કવિતા