Tuesday, September 20, 2011

મેઘધનુષ


હું એક સ્ત્રી છું
રૂડી, રૂપાળી, નાજુક, નમણી સ્ત્રી
મારો દેહ તો છે ગૌણ
જેને તું હંમેશ જુએ છે
પણ મારા દેહમાં છે
ખેતરમાં બી અંકુરાય એમ
ફણગાયેલું મન-
અસીમ સંભાવનાથી સભર
જેને તું જુએ છે ક્યારેક જ
ને તેય અછડતી નજરે
દોસ્ત માંડ નજર મારા મન ઉપર
ને જો કેટકેટલા રંગો પડ્યા છે
વેરવિખેર
ઉપાડ રંગનો એક એક તાંતણો
ને  એમાં ભેળવ તારો સૂર
ને ચાલ આપણે મેળવીએ
તાલમાં તાલ
અને રચીએ નાચતું ગાતું
મેઘધનુષ.

(રાજભાષા)

માથું ભમતું મેલ

ઢેડફેડના છોડ લબાચા
માથું ભમતું મેલ, ચમનિયા

જોડે જોડે રેવું તોયે
જોજન જોજન દૂર
શાળ-આરના વિખવાદોનું
ધસમસ ધસમસ પૂર
જોઈ ડરે એ પામર જીવડા;
ધબાક પડતું મેલ, ચમનિયા... ઢેડફેડના.

ઢોર ચીરે તું એમ ચિરાતું
હૈયું રોજેરોજ
તાણો તારા નામનો નાખી
વણાય મારું પોત
થાય ભલે એ લીરેલીરા;
પકડી ફરફરતું મેલ, ચમનિયા... ઢેડફેડના.

અમીરગરીબના ભેદથી ઊંડા
પાણીડાં પાતાળ
ઝેરઝનૂને લડે માછલાં
ભામટે નાખી જાળ
જાળ-પાળની ઐસીતેસી
જોરમા પાટુ મેલ ચમનિયા... ઢેડફેડના

ભલે ને લોકો મોજાં થૈને
ઊછળે ગાંડાતૂર
જાતિવાદના દારૂડિયાથી
મદમાતા ચકચૂર
વાવંટોળ બનીને છો કે :
ચામડીયો વંઠેલ ચમનિયા...  ઢેડફેડના

ઢીંગલા-ઢીંગલી પોઢ્યાં આવ્યું
જોબનિયું મદમાતું
નથી રવાતું શૂળ આ સાલું
પ્રેમનું રાતું રાતું
ઉજાગરાથી રાતી આંખો
જાણે લોહીની હેલ, ચમનિયા
ઢેડફેડના છોડ લબાચા
માથું ભમતું મેલ, ચમનિયા    

બંધ મિલનું વેરાન



બંઘ મિલનું વેરાન તને મોકલું,
વીસ સદીઓની શાન તને મોકલું .

મોકલતાં મોકલતાં ખૂટે ન આંસુ ને
એવી જ ભુખ વણખૂટી,
તડકા ને છાયડામાં તડકો જીત્યો ને ક્યાંક
આયખાની દોર ગઈ તૂટી,

ચીખે સળગેલો જાન તને મોકલું,
બંધ મિલનું વેરાન તને મોકલું.

નાનાં મકાનોમાં થનગનતી શાન આજે
મારી કરે છે મજાક,
પરસેવે રેબઝેબ આંખોને લાગે છે
આખા યે આયખાનો થાક,
દેખ લોહીનાં વેચાણ તને મોકલું
વીસ સદીઓંની શાન તને મોકલું.                            
 
(નયામાર્ગ)

પાંખો પસારી


તારી મૂછો થરથર ધ્રૂજ્શે કે દેખ નીકળી છે સવારી
આઠ આસમાનો આંબવાને કાજ દેખ આજ મેં તો પાંખો પસારી
સાત સાગરને ખુંદવા મેં હાથનાં હલેસાંથી હોડી હંકારી
   
ખુલ્લી જમીન ઉપર ખુલ્લા આસમાન હેઠ
કોઈ ઊંચું ન’તું કે કોઈ નીચું ન’તું
ખુલ્લી જમીન ઉપર, ખુલ્લા આસમાન હેઠ
એક ઊગી ગ્યું ઘર જેના પાયામાં લોહીમાંસ મારું ભર્યું.
મારાં શમણાં રોળાયાં, હાથ અવળા બંધાયા  
આભ ચીંદરડી થઈને જેના તળિયે ઠર્યું.

મારી આંખો આરપાર દેખ આજ પ્રગટી છે એની એંધાણી
આઠ આસમાનો આંબવાને કાજ દેખ આજ મેં તો પાંખો પસારી
સાત સાગરને ખુંદવા મેં હાથનાં  હલેસાંથી હોડી હંકારી
     
હવે ક્ષિતિજ ખુલી ને નવી દુનિયા ઝૂલી
આ જ તું યે માણસ
અને હું યે માણસ
અર્થ માણસનો એક જ છે – માણસ માણસ
હવે ક્ષિતિજ ખુલી ને નવી દુનિયા ઝૂલી
ગુરુ એનો એ છે ને શનિ એનો એ છે
એ જ ચાંદો સૂરજ એ જ ધરતી આકાશ
પણ જોવાની દ્રષ્ટી છે નવલી મળી
પગ ફરતા થયા, હાથ ફળતા ગયા
બંધ કંઠે મોરલિયા ગહેકતા થયા

કોરી આંગળીઓં છલકી કે ટેરવેથી છૂટી સર્જનની સરવાણી
આઠ આસમાનો આંબવાને કાજ દેખ આજ મેં તો પાંખો પસારી
સાત સાગર ખુંદવા મેં હાથનાં હલેસાંથી હોડી હંકારી