એ બદચલન લોકોની
ચાલચલગત હજી બદલાતી નથી.
મારા મસીહાના મૃત્યુદિનને જ
એ લોકો
બાબરી ધ્વંસ થકી
કાળા રંગે રંગી નાખે છે
અને મનાવે છે
એમના લોહીયાળ વિજયોત્સવો.
જેમના પૂર્વજો
અંત્યજ શાળામાં
પગ મૂકતાં પણ અભડાતા હતા
એમના જ પોરિયાઓ
મારા બાપને અક્ષરથી અવગત કરનાર
મુલ્લાં કે પાદરીનાં સંતાનોને
જીવતાં બાળી કૂટે છે .
એકસામટા બધાની સાથે
લડવાની તાકાત નથી એ લોકની
ને એટલે
વિશ્વ ભાગલાવાદી પરિષદની કૂટનીતિના
એ નિષ્ણાતો
જુદા જુદા પાડીને
એકમેક સાથે લડાવીને
એક પછી એક
આપણને મારે છે.
પ્રાઇવેટાઇઝેશનનો પવન
ધૂણાવી રહ્યો છે એમણે.
તરોતાજા કરી રહ્યો છે
એમની નસેનસમાં વહેતાં
અહંગ્રસ્ત લોહીને
મળી રહ્યો છે એમને
પરવાનો
અનામતનાં હુલ્લડો
કર્યાં વિના જ
શાંતિપૂર્ણ ઢંગથી
એમની પેઢીઓના દરવાજા
મારા માટે બંધ કરી દેવાનો.
વેપલો માંડ્યો છે એમણે
વેપલો.
હળ હાંકતાં હાંકતાં
સ્કૂલના ધની બની બેઠેલા
કેટલાક તો બાપોકાર કહે છે:
‘શિક્ષણ તો
અમારાં બાપનું ખેતર
ઉદાર એટલે
પડી રહેવા દૈએ થોડું.
એમાં ચોર ખાય
વધ્યું ઘટ્યું ઢોર ખાય
મોર ખાય
ચાંદ પણ ખાય
ને ચકોર પણ ખાય.’
સરસ્વતીની શુભ્રતાનું
ખુલ્લેઆમ હરણ થાય,
કોમ્પ્યુટરની કળ દ્વારા
નવરચનાનાં ગીત ગવાય
ને સરસ્વતીની સફેદીનું
વસ્ત્રાહરણ થાય.
મારી પ્રાર્થના ઠેબે ચઢે
પગ તળે કચડાયબધે જ બધે.
પંજો અમને થપ્પડ મારે
ભગવો ભેદભરમ રચી
ભરમાવે.
ચક્રના ટૂકડે ટૂકડા
તીતરબીતર થાય.
ભાઈલોગ હમ કહાં પે જાયે?
મને કવિને તો તમે
કરવા ચાહો ચૂપ
પર ઐસા મૌકા કહાંસે આવે?
એટલે અધિકાર દિને
હું કરું બકવાસ.
તમે મને
ભેજાનો છટકેલ જાહેર કરી દેશો
મારા ગુના શોધી શોધીને
પોલીસ પાસે મરાવશો દંડા
ને કરાવી દેશો કેદ
કે નોકરીનિકાલની સજા
ને ફોડી દેશો પેટ
ને એમ
કોઈપણ રીતે
છીનવી લેશો તેજાબી કલમ
પણ
મારી રૂહમાં ભળી છે
રેગિસ્તાનના સિંહ
ઉંમર મુખ્તારની રૂહ.
કાલે મારી દીકરી જ
ઉઠાવી લેશે મારાં ચશ્માં
અને મારી કલમઅને એ પણ કહેશે:
‘ટુ ફાઈટ અગેઇન્સ્ટ
ડીસ્ક્રીમીનેશન
ઇઝ અવર રાઈટ.
વી વિલ ફાઈટ,
વી વિલ ફાઈટ
અપ ટુ નેક્સ્ટ
એન્ડ નેક્સ્ટ
એન્ડ નેક્સ્ટ જનરેશન.’
ભા.જ.પા.એ ૬ ઠ્ઠી ડિસેમ્બરને વિજય દિન તરીકે અને દલિત અધિકાર સંઘે અધિકાર દિન તરીકે ઉજવ્યો તે નિમિત્તે લખાયેલી કવિતા.
‘Lion of Desert: Omer Mukhtar’ નામની અંગ્રેજી ફિલ્મની સ્મૃતિ.
ઉંમર મુખ્તારના દેશ પર ફિરંગીઓ આક્રમણ કરે છે. ઉંમર મુખ્તાર ગેરીલા લડાઈથી મુકાબલો કરે છે, દુશ્મનો થકી જાય છે.સંધિ કરવા બોલાવી ઉંમર મુખ્તારને કેદ કરી દે છે અને ફાંસીની સજા ફરમાવે છે.ફાંસીના માંચડા પર ચઢતાં પહેલાં ઉંમર મુખ્તાર એનાં ચશ્માં એક બાજુ મૂકે છે અને બોલે છે : ‘We will fight upto next and next and next generation.’ અને ફાંસીને માંચડે ચઢી જાય છે. એક કિશોર આવીને કોરાણે મૂકેલાં એનાં ચશ્માં લઇ જાય છે એ પ્રતિકાત્મક અંત સાથે ફિલ્મ પૂરી થાય છે.
No comments:
Post a Comment