આ નદીના સામે કાંઠે વસે છે
એ માણસો નથી.
એમનેહાથ નથી;
હાથા છે.
એ હાથા
સામે કાંઠેથી ઠેકડો મારીને
આ કાંઠે આવી જાય છે.
દૂર દૂરનાં પરાંઓમાં
ચપોચપ બંધ બેસે એમ
ઘુસી જાય છે આપણા હાથમાં
પછી કેરોસીન છંટાય છે
ભડકે બળે છે આંબેડકરનગર ને ગરીબનગર.
ધારિયાયુદ્ધ લડાય છે અમનચોકમાં,
ધડાકા ફૂટે છે દરિયાપુરમાં,
ખાનગી ગોળીબાર થાય છે રાજપુરમાં.
આવું બધું બંને છે રોજ.
આ બધું જ કરી શકે છે એ લોકો
કેમકે
ગોમતીપુરમાં રહેતા છોકરાના હાથમાં
બંદૂક છે.
પણ ટ્રિગર દબાવતી આંગળીઓ
એ લોકોની છે.
આ નદીના સામે કાંઠે વસે છે
એ માણસો નથી.
એમને મોં નથી.
ચૂસણીયાં છે
મિલો ધમધોકાર ચલાવી
નફામાં લોહી ચૂસી મજૂરોનું
એ લોકો
ખોલે છે કિન્ડરગાર્ટન ને કોન્વેન્તો,
કોલેજો ને સાયન્સ ઇન્સ્ટિટયૂટો
અને ભણાવે છે એમનાં છોકરાંઓને
ઇંગ્લિશ ને કોમર્સ,
સ્ટેટ અને માઇક્રોબાયોલોજી ,
વિમેન લિબરેશન ને માર્ક્સીસ્ટ મેથોડોલોજી
દલિત અપ લીફ્ટમેન્ટ ને લેતેઈસ્ટ ટેકનોલોજી.
અને પછી ધડાધડ મિલો કરી દઈને બંધ
આ તૈયાર થયેલા સ્પેશીયાલીસ્ટ
આપણને ભણાવે છે
શિક્ષણ નવરચના ને જાગૃતિકરણના પાઠ.
એમને ઊંધા ને આડા બધા ય પાઠ આવડે છે.
એમના હાથમાં ચોપડીઓ છે કેમકે
પટણી શેરીમાં રહેતા છોકરાઓના ગજવામાં
બીડીઓનાં ઠૂંઠાં છે
અને છોકરીઓના ખભે
કાગળ વીણવાનાં થેલા છે.
આ નદીના સામે કાંઠે વસે છે
એ માણસો નથી.
એમને પગ નથી;
મર્સીડીઝ ને શેવરોલેટ છે ,
યેઝ્દી અને બુલેટ છે
જેની ટાંકીઓમાં પેટ્રોલ નહીં,
તારો ને મારો પરસેવો
ચિકોચિક ભરેલો છે.
પેટનું પાણી ય ન હાલે એમ
એમની મર્સીડીઝ ઊડે છે ધનધનાટ
કેમકે
આપણી સાયકલો
લાકડામીલના ફાટકથી તે
ચારતોડા કબ્રસ્તાન સુધીમાં
સાતસો ને સત્તર વાર
ખાડામાં પછડાય છે.
આ નદીના સામે કાંઠે વસે છે
એ માણસો નથી.
એમને કાન નથી;
સીલેકટીવ રિસીવર્સ છે.
એમણે સંભળાય છે
કોક ખૂણામાં ઉખાડાઈ રહેલા
છોડની ઝીણી ચીસ
અને નથી સંભળાતી
રોજ રાત્રે
કાળા ડિબાંગ અંધકારમાં કણસતી
ઝૂંપડપટ્ટીની કારમી બૂમો.
પથરાના ધોધમાર વરસાદથી ધડ ધડ ધડ ધડાટ ખખડતાં
જોગેશ્વરીનગરનાં
પતરાંઓનો અવાજ
એમને સંભળાતો નથી
કેમકે
એમને સંભળાય છે માત્ર
ખાડીયામાં ખખડતી પોલીસોની
રડીખડી લાકડીઓનો પછડાટ.
એ લોકો
અમુક જ સાંભળી શકે છે
અને અમુક બિલકુલ સાંભળી નથી શકતા
કેમકે
આપણે જાણે બહેરા છીએ,
જાણે કશું જ નથી સાંભળતા.
આ નદીના સામે કાંઠે વસે છે
એ માણસો નથી.
એમને આંખો નથી;
સિલેક્ટીવ સ્પેક્ટેકલ્સ છે.
એમણે દેખાય છે
કેરાલા પોલીસે નહીં પકડેલા
ને તોય જોર કરીને છોડાવાયેલા
ઊર્મિલા પટેલના હાથ ને
ભાવના શાહના ખભા
અને નથી દેખાતા
બિહાર રેજીમેન્ટના જવાને ઝૂડી નાખેલા
ફૂટુંફૂટું લોહીવાળા
નાથલી ને મોંઘલીના લાલઘૂમ બરડા.
એમને આંબેડકરનગરની રૈલીનો
લોહીના જાડા થરવાળો સાલ્લો ને ઘાઘરો.
દેખાતો નથી
કેમકે એમને દેખાય છે માત્ર
પ્રેમિલા પટેલનો
ફાડી નખાયેલો બ્લાઉઝ.
એ લોકો અમુક જ જોઈ શકે છે
અને અમુક જોઈ શકતા જ નથી
કેમકે
આપણે જાણે આંધળા છીએ
જાણે કશું જ નથી જોતા.
આ નદીના સામે કાંઠે વસે છે
એ માણસો નથી.
એમને જીભ નથી;
ન્યૂઝ પેપર્સ છે.
જ્યાં બિલાડું ય ન ફરક્યું હોય ત્યાં
બાર હજારની રેલી
એમને રાતે સપનામાં આવે છે.
સવારે જ એને વિશે
એ વાહવાહના ધોધ વહાવે છે
અને જ્યાં હજારો ઉમટ્યા હોય ત્યાં
કોઈ ન ફરક્યાની જેમ
ચૂપ થઇ જાય છે.
જ્યાં કાંકરી ય ના પડી હોય
ત્યાં પહાડના પહાડ તૂટી પડ્યાની
બૂમરાણ એ મચાવે છે.
અને જ્યાં મોટા મોટા ડુંગરા
કાંકરા કાંકરા થઇને વરસ્યા હોય
ત્યાં કંઇ ન બન્યાનું એ મૌન સેવે છે.
મંદિરો તૂટી પડ્યાનો
ને મૂર્તિઓ ખંડિત થયાનો ઘોંઘાટ
એ ચારે દિશામાં ફેલાવે છે
ને પેલા પંચ્દેવના મંદિરમાં
આપણને બોલાતી ગાળોને
એ એના
ટેલીપ્રિન્ટરની ટકટકમાંદબાવી દે છે.
તોડાયેલાં ટેપરેકોર્ડર
વિડીયો ને રેડીયોના ધડાકાથી
એ આપણા કાન ફાડી નાખે છે.
અને પેલા કેસલા ને બાલિયાના
ધારિયાથી વધેરાઈ ગયેલા દેહને એ
દીવાસળી ને ડબલાનો અવાજ પણ કર્યાં વિના
શાહી છાંટી બાળી કૂટે છે.
એ લોકો
અમુક જ બોલી શકે છે
અને અમુક તો ક્યારેય નથી બોલી શકતા.
કેમકે
આપણે જાણે મૂંગા છીએ
જાણે કશું જ નથી બોલતા.
આ નદીના સામે કાંઠે વસે છે
એ માણસો નથી.
એમણે મગજ નથી,
કાવતરાંનાં કારખાનાં છે.
એ લોકો બની બેઠેલા દાતા છે.
એમનું નીરેલું ઘાસ ચગદતા
રથયાત્રાના હાથીઓ
પોલીસવાનોને ધક્કે ચઢાવી શકે છે
અને શહેરની સડક ઉપર
પહોળા થઈને પથરાયેલા કરફ્યૂને
સૂંઢથી ઉલાળી પગ તળે કચડી શકે છે.
આર્મીની સ્ટેન ગન ને મશીનગન
એ તમાશો પરેશાન થઈને ય જોઈ શકે છે
એ ઉન્માદી હાથીઓને બદલે
ધૂંધવાઈને પથ્થરમારો કરતા માણસો પર
સ્ટેનગન તૂટી પડે છે.
એ પણ આ કારસ્તાનનાં
કારખાનાઓની જ કમાલ છે.
એમના પાળેલા પોપટ
‘ધર્મ પથરો છે’ જેવું અર્ધ સત્ય જ રટે છે
પણ એ પથ્થરો
સૌથી વધુ આપણાં જ લમણાં તોડે છે
એ સત્ય એ ક્યારેય નહીં ઉચ્ચારે.
અને આપણેય
એમનાં અર્ધ સત્યો માની જ લઈએ છીએ
એ પણ એમનાં
કારસ્તાનના કારખાનાંની જ કમાલ છે.
એમનાં કારખાનાં ચાલે છે ધમધાકોર
કેમકે આપણે આપણા મગજને
ક્યારેય
એમની પકડમાંથી
મુક્ત થવા દેતા નથી.
આ નદીના સામે કાંઠે વસે છે
એ માણસો નથી.
એમણે પેટ નથી,હિન્દી મહાસાગર છે.
આપનો પરસેવો વરસ્યા જ કરે છે
વરસ્યા જ કરે
ને તોય એમ ને એમ
આપણા ઝૂંપડાં તૂટ્યા જ કરે
તૂટ્યા જ કરે
ને તોય ઓમ સ્વાહા ...
આપણી ખાણો ખીણ થયા જ કરે છે
થયા જ કરે છે
ને તોય ઓમ સ્વાહા.
આપણાં દાતરડાં ઘસાયા જ કરે
દાણા ઊગ્યા જ કરે
ને તોય ઓમ સ્વાહા.
આપણાં જંગલો કપાયા જ કરે
કપાયા જ કરેને તોય ઓમ સ્વાહા...
આપણા માંસલ સ્નાયુઓ ક્ષીણ થયા જ કરે
હાડકાં ગળ્યા જ કરે
ને તોય ઓમ સ્વાહા.
એ લોકો
બધું જ ખાઈ શકે છે
કેમકે આપણેખાવા જેવું
થોડુંકે ય
નથી ઝૂંટવી શકતાં.